06 June, 2026 07:33 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અભિજિત દીપકે
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ આજે દિલ્હીના જંતરમંતર ખાતે એના પ્રથમ મોટા વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે. નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)નું પેપર-લીક થયું, સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નાં પરિણામોમાં વિસંગતતાઓ જણાઈ આવી એ વિશે વિદ્યાર્થીઓમાં ગુસ્સો છે ત્યારે આ વિરોધ-પ્રદર્શન દ્વારા શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરવામાં આવશે. CJPનો સ્થાપક અભિજિત દીપકે આ વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે અમેરિકાથી ભારત આવી રહ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ દેશના એક કરોડથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે.
આ સમગ્ર આંદોલન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરથી ઉદ્ભવ્યું હતું. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સૌપ્રથમ આંદોલનની જાહેરાત કરી હતી. ત્યારે તેમણે યુવાનોને દિલ્હી ઍરપોર્ટ પર એકઠા થવા અપીલ કરી હતી. જોકે હવે અભિજિત દીપકેએ સમર્થકોને
દિલ્હી ઍરપોર્ટ પર નહીં આવવા કહ્યું છે. તે માને છે કે ઍરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે મોટી ભીડ એકઠી કરવાથી જનતાને અસુવિધા થશે અને કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે. તેથી હવે તેનું ધ્યાન સીધું જંતરમંતર તરફ વાળ્યું છે. અભિજિતે પોસ્ટમાં સમર્થકોને દિલ્હીના રસ્તાઓ પર શાંતિપૂર્ણ અને પ્રેમથી પોતાનો વિરોધ નોંધાવવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે અને સવારે ૯ વાગ્યે જંતરમંતર નજીક સંસદ માર્ગ પોલીસ-સ્ટેશન પહોંચવા કહ્યું છે.