18 September, 2025 08:08 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પરના મતપત્રો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી માર્ગદર્શિકા બિહારમાં શરૂ થશે અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર EVM પર ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ જોવા મળશે. ઉમેદવારોના સિરિયલ નંબરો પણ વધુ દૃશ્યમાન હશે. આ પહેલનો હેતુ ચૂંટણીપ્રક્રિયાઓમાં સુધારો કરવાનો અને મતદારોની સુવિધા વધારવાનો છે.
આ સંદર્ભમાં ચૂંટણીપંચે ચૂંટણી સંચાલન નિયમો, ૧૯૬૧ના નિયમ 49B હેઠળ હાલની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. આ સુધારા બાદ ઉમેદવારોના ફોટો હવે EVM પરના મતપત્રો પર રંગીન છાપવામાં આવશે. ઉમેદવારનો ચહેરો ફોટોના ત્રણ-ચતુર્થાંશ ભાગ પર જોવા મળશે, જે સ્પષ્ટ દૃશ્ય સુનિશ્ચિત કરશે. ઉમેદવારના સિરિયલ નંબરો આંતરરાષ્ટ્રીય ભારતીય અંકોમાં છાપવામાં આવશે. ફૉન્ટનું કદ ૩૦ અને બોલ્ડ હશે.
બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એ ઑક્ટોબર અથવા નવેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં યોજાવાની ધારણા છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ બાવીસમી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. એ પહેલાં ચૂંટણીપ્રક્રિયા પૂરી કરવામાં આવશે.