20 July, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લેટ નાઇટ સુધી ચાલતું ફાયર પૉટ લાઉન્જ હુક્કા પાર્લર.
વિદ્યાવિહાર-ઈસ્ટમાં સ્ટેશન સામે તિલકનગર પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા ફાયર પૉટ લાઉન્જ માટે ગંભીર ફરિયાદો સામે આવી છે. આ હુક્કા પાર્લર મોડી રાત સુધી કાર્યરત રહેતું હોવાના આક્ષેપ થયા છે. આ સંદર્ભે સ્થાનિકો દ્વારા મુંબઈના પોલીસ-કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ આ લાઉન્જમાં મોડી રાત સુધી હુક્કો સર્વ કરવામાં આવે છે. ટીનેજરોને પણ તમાકુ સાથેનો હુક્કો આપવામાં આવે છે એટલું જ નહીં; મહિલાઓ પર હુમલો, જીભાજોડી અને છેડતીના બનાવો વારંવાર બને છે જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાય છે. એક મહિલા દ્વારા આ સંદર્ભે ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં એવો આરોપ છે કે પોલીસ-અધિકારીઓ ફક્ત દેખાવ પૂરતી કાર્યવાહી કરીને માત્ર ગ્રાહકોને વિખેરી નાખે છે જેથી મામલો બંધ થઈ જાય.
હવે આ સંદર્ભે મુંબઈના પોલીસ-કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. એમાં સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરની તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. એમાં CCTV કૅમેરાનાં ફુટેજ, ફરિયાદનો રેકૉર્ડ અને સંબંધિત પોલીસ-અધિકારીઓની ભૂમિકાની તપાસનો સમાવેશ થાય છે. જો કાયદાનું કોઈ ઉલ્લંઘન જોવા મળે તો લાઉન્જના સંચાલકો અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે જેથી સામાન્ય નાગરિકોનો કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ અકબંધ રહે એવી વિનંતી કરવામાં આવી છે.