25 December, 2025 12:57 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
કેદારનાથ
ઉત્તરાખંડનું કેદારનાથ સામાન્ય રીતે હાલના સમયમાં ઓછામાં ઓછા પાંચથી આઠ ફુટ બરફથી ઢંકાયેલું હોય છે ત્યારે મંગળવાર સુધી આ મંદિરમાં કોઈ બરફવર્ષા થઈ નથી એટલે પર્યાવરણવાદીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. બરફના અભાવે મંદિર અને એની આસપાસના વિસ્તારમાં દુકાળની સ્થિતિ સર્જાઈ રહી હોવાથી કેદારનાથના પુનર્નિર્માણ પ્રોજેક્ટ પર કામ કરતા મજૂરો માટે હવામાન પડકારો ઊભા કરી રહ્યું છે. તેઓ દિવસમાં લગભગ ૩થી ૪ કલાક જ કામ કરી શકે છે.
નવેમ્બર મહિનામાં ચારધામનાં મંદિરોનાં કપાટ બંધ થયાં ત્યાં સુધીમાં આશરે ૫૦ લાખ ભાવિકોએ આ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. એકલા કેદારનાથમાં ૧૭.૬૬ લાખ ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા. આ વર્ષે વધારે પડતા વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા ઘણી વાર સ્થગિત પણ કરવામાં આવી હતી.
નિષ્ણાતોનું કહેવું છે કે આ ક્લાઇમેટ-ચેન્જનું પરિણામ છે. મોટા પ્રમાણમાં જંગલોમાં કાપણી, વિવિધ પ્રોજેક્ટ માટે થતા વિસ્ફોટ અને વાહનોની વધતી જતી સંખ્યાના કારણે મોસમની પૅટર્ન બદલાઈ છે એના કારણે આવું થઈ રહ્યું છે.