કૉન્ગ્રેસ કી લૂટ ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી

25 April, 2024 09:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને કહ્યું કે કૉન્ગ્રેસની નજર તમારી કમાણી, તમારાં મકાન, ખેતર અને સંપત્તિ પર છે; તેઓ તમારી સંપત્તિનો એક્સ-રે કરશે અને માતાઓ અને બહેનો પાસેથી સ્ત્રીધન પણ લઈ લેશે અને તમે જાણો જ છો કે એ કોને આપશે

તસવીર: પીટીઆઈ

અમેરિકામાં વ્યક્તિના મૃત્યુ પછી તેની સંપ​ત્તિનો પંચાવન ટકા હિસ્સો સરકાર લઈ લે છે અને ભારતમાં પણ આ મુદ્દે ચર્ચા થવી જોઈએ એવું બોલનારા કૉન્ગ્રેસી સૅમ પિત્રોડા પર વરસી પડ્યા નરેન્દ્ર મોદી

કૉન્ગ્રેસના સલાહકાર અને ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ સૅમ પિત્રોડાના એન્હેરિટન્સ ટૅક્સ (વારસા ટૅક્સ) વિશેના નિવેદન પર ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સરગુજાની ચૂંટણીસભામાં પસ્તાળ પાડી હતી અને ઉપસ્થિત જનમેદનીને કૉન્ગ્રેસના બદઇરાદાથી ચેતવતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસના ઇરાદા નેક નથી, તેમના ખતરનાક ઇરાદા હવે બધાની સામે આવી ગયા છે, હવે તેઓ એન્હેરિટન્સ ટૅક્સની વાત કરે છે.

એક ઇન્ટરવ્યુમાં સૅમ પિત્રોડાએ કહ્યું હતું કે ‘અમેરિકામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેની સંપત્તિમાંથી પંચાવન ટકા હિસ્સો સરકાર લઈ લે છે અને બાકીનો ૪૫ ટકા હિસ્સો તેનાં બાળકોને મળે છે. ભારતમાં આવું નથી. આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. ભારતમાં જો કોઈ વ્યક્તિ પાસે ૧૦ અબજની સંપત્તિ છે તો તેના મૃત્યુ બાદ એ સંપત્તિ તેનાં બાળકોને અને વારસદારોને મળશે, પણ એનો ફાયદો દેશના લોકોને થતો નથી.’

સૅમ પિત્રોડાના આ નિવેદન વિશે જુઓ મોદી શું-શું બોલ્યા...

કૉન્ગ્રેસના ઇરાદા બંધારણ અને સામાજિક ન્યાયના અનુરૂપ નથી. કૉન્ગ્રેસની નજર તમારી કમાણી, તમારાં મકાન, દુકાન, ખેતર પર છે.

કૉન્ગ્રેસના શાહઝાદાનું કહેવું છે કે તેઓ આ દેશનાં દરેક ઘર, દરેક અલ્મારી અને દરેક પરિવારની સંપત્તિનો એક્સ-રે કઢાવશે, આપણી માતાઓ-બહેનો પાસે જે થોડું ઘણું સ્ત્રીધન છે એની પણ તપાસ કરાવશે. સરગુજાની અમારી આદિવાસી માતાઓ અને બહેનો હંસુલી પહેરે છે, મંગળસૂત્ર પહેરે છે. કૉન્ગ્રેસ તમારી પાસેથી આ સામાન છીનવી લેશે અને તમને ખબર જ છે કે આ સામાન તેઓ કોને આપશે. તમારાથી લૂંટીને એ કોને આપશે, શું મારે એ કહેવાની જરૂર છે? શું તમે આ પાપ કૉન્ગ્રેસને કરવા દેશો?

કૉન્ગ્રેસ કહે છે કે સત્તામાં આવ્યા બાદ તેઓ એક પછી એક ક્રાન્તિકારી પગલાં ઉઠાવશે; પણ તમે આવાં સપનાં ન જુઓ, કારણ કે દેશની જનતા તમને આવો મોકો નહીં આપે.
કૉન્ગ્રેસનો એક જ મંત્ર છે, કૉન્ગ્રેસ કી લૂટ ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી. જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી કૉન્ગ્રેસ તમને વધારે ટૅક્સ લગાવીને મારી નાખશે અને જ્યારે તમે જીવિત નહીં હો ત્યારે તમારા પર વિરાસત ટૅક્સ નાખશે. જે લોકોએ આખી કૉન્ગ્રેસ પાર્ટીને પોતાની પૈતૃક સંપત્તિ માનીને તેમનાં બાળકોને સોંપી દીધી, તેઓ નથી ઇચ્છતા કે ભારતીય લોકો તેમની સંપત્તિ તેમનાં બાળકોને આપે.

કૉન્ગ્રેસના ખતરનાક ઇરાદા એક પછી એક બહાર આવી રહ્યા છે. શાહી પરિવારના શાહઝાદાના સલાહકારે થોડા સમય પહેલાં કહ્યું હતું કે આપણા દેશના મિડલ ક્લાસ પર વધારે ટૅક્સ લગાડવો જોઈએ. હવે આ સલાહકાર કહે છે કે તમારી સંપત્તિ પર એન્હેરિટન્સ ટૅક્સ પણ લગાડવો જોઈએ.

અમિત શાહે પણ સાધ્યું નિશાન

સૅમ પિત્રોડાના એન્હેરિટન્સ ટૅક્સવાળા નિવેદન મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘આ નિવેદને કૉન્ગ્રેસનો ઇરાદો દેશ સામે સ્પષ્ટ કરી દીધો છે. કૉન્ગ્રેસનો મૅનિફેસ્ટો બનાવવામાં સૅમ પિત્રોડાની અહમ્ ભૂમિકા છે. પિત્રોડા અમેરિકાની જેમ ભારતમાં એન્હેરિટન્સ ટૅક્સ લગાડવા માગે છે જેથી પૈતૃક સંપત્તિ પર પરિવારનો હક ન રહે. હું માનું છું કે કૉન્ગ્રેસ એના મૅનિફેસ્ટોમાંથી આ વાત હટાવી દે. લોકોએ પણ આ નિવેદનને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.’

કૉન્ગ્રેસે હાથ ખંખેર્યા : આ તો સૅમ પિત્રોડાનો વ્યક્તિગત મત

સૅમ પિત્રોડાના નિવેદનના મુદ્દે કૉન્ગ્રેસે એને વ્યક્તિગત મત ગણાવ્યો છે. કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે સોશ્યલ મીડિયા હૅન્ડલ ઍક્સ પર લખ્યું હતું કે ‘આ સૅમ પિત્રોડાનો વ્યક્તિગત મત છે. તેઓ મારા અને દુનિયામાં ઘણા લોકોના સારા મેન્ટર, દોસ્ત અને માર્ગદર્શક રહ્યા છે. તેઓ કોઈ પણ મુદ્દે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપી શકે છે. એક લોકતંત્રમાં તેમને વિચાર મૂકવાનો અધિકાર છે, પણ એવું નથી કે તેઓ જે વિચાર રજૂ કરે એ હંમેશાં કૉન્ગ્રસનો વિચાર હોય. વિરાસત ટૅક્સ લાવવાની કૉન્ગ્રેસની કોઈ યોજના નથી. રાજીવ ગાંધીએ તો ૧૯૮૫માં એસ્ટેટ ડ્યુટીને રદ કરી હતી, પણ મોદી સરકારના ભૂતપૂર્વ નાણાં રાજ્યપ્રધાન જયંત સિંહાએ અમેરિકાની જેમ ભારતમાં પણ પંચાવન ટકા વિરાસત ટૅક્સ લગાડવા બાબતે ૧૫ મિનિટ સુધી વકાલત કરી હતી. આ મુદ્દે વડા પ્રધાને જવાબ આપવો જોઈએ.’

મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું : સૅમ પિત્રોડા

સૅમ પિત્રોડાના વિરાસત ટૅક્સના નિવેદન મુદ્દે ભારતમાં વિવાદ થયા બાદ તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘એ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. કોણે કહ્યું કે પંચાવન ટકા સંપત્તિ છીનવી લેવામાં આવશે? કોણે કહ્યું કે આવું બધું ભારતમાં થશે? BJP અને મીડિયા આટલાં બધાં ગભરાયાં શા માટે છે? હું મારી વાત અમેરિકાના સંદર્ભમાં કરી રહ્યો હતો અને એથી એનું ઉદાહરણ આપ્યું હતું. મેં કહ્યું હતું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. આને કૉન્ગ્રેસ સહિત કોઈ પણ રાજકીય પાર્ટીની નીતિ સાથે કોઈ લેવાદેવા નથી.’ 

narendra modi amit shah bharatiya janata party congress india national news Lok Sabha Election 2024