કર્ણાટકમાં બે બેઠકોની પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસનો વિજય, નાગાલૅન્ડ અને ત્રિપુરાની બે બેઠકો પર BJPનો વિજય

05 May, 2026 07:17 AM IST  |  karnataka | Gujarati Mid-day Correspondent

કર્ણાટકમાં દાવણગેરે સાઉથ વિધાનસભા પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર સમર્થ મલ્લિકાર્જુનનો ૫૭૦૮ મતથી વિજય થયો હતો

પ્રતીકાત્મક તસવીર

પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી સાથે યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ૭ બેઠકોની પેટાચૂંટણીમાં ૪ પર BJPનો, બે પર કૉન્ગ્રેસનો અને એક બેઠક પર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નો વિજય થયો છે. આ તમામ બેઠકો વિધાનસભ્યોનાં મૃત્યુને કારણે ખાલી પડી હતી. કર્ણાટકમાં બે બેઠકો પર કૉન્ગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે નાગાલૅન્ડ અને ત્રિપુરામાં BJPએ જીત મેળવી છે. કર્ણાટક, નાગાલૅન્ડ અને ત્રિપુરામાં ૯ એપ્રિલે મતદાન થયું હતું.

દાવણગેરે સાઉથમાં કૉન્ગ્રેસનો ૫૭૦૮ મતથી વિજય

કર્ણાટકમાં દાવણગેરે સાઉથ વિધાનસભા પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર સમર્થ મલ્લિકાર્જુનનો ૫૭૦૮ મતથી વિજય થયો હતો. તેમને ૬૯,૫૭૮ મત મળ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર શ્રીનિવાસને ૬૩,૮૭૦ મત મળ્યા હતા.

બાગલકોટમાં કૉન્ગ્રેસનો ૨૨,૩૩૨ મતથી વિજય

કર્ણાટકમાં બાગલકોટ વિધાનસભા પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર ઉમેશ હુલપ્પા મેટીનો ૨૨,૩૩૨ મતથી વિજય થયો હતો. તેમને ૯૮,૯૧૯ મત મળ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર ચરન્તીમથ વીરણ્ણાને ૭૬,૫૮૭ મત મળ્યા હતા.

નાગાલૅન્ડ અને ત્રિપુરામાં BJPની જીત

નાગાલૅન્ડમાં કોરીડાન્ગ બેઠક પર BJPના દાઓચિયર આઈ. ઇમચેનનો ૩૧૨૩ મતથી વિજય થયો હતો. તેમને ૭૩૧૭ મત જ્યારે અપક્ષ ઉમેદવાર તોશિકાબાને ૪૧૯૪ મત મળ્યા હતા. ત્રિપુરામાં ધર્માનગર બેઠક પર BJPના ઉમેદવાર જહર ચક્રવર્તીએ ૧૮,૨૯૦ મતથી જીત મેળવી હતી. તેમને ૨૪,૨૯૧ મત મળ્યા હતા, જ્યારે બીજા નંબરે રહેલા કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) અમિતાભ દત્તાને ૬૦૦૧ મત મળ્યા હતા.

 

national news india karnataka nagaland tripura political news congress bhartiya janta party bjp bharatiya janata party