રાફેલ સોદામાં કરપ્શન : ફ્રાન્સમાં તપાસ શરૂ થઈ

04 July, 2021 10:43 AM IST  |  New Delhi | Agency

વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલા સોદા બાબતે નૅશનલ ફાઇનૅન્શિયલ પ્રોસીક્યુટર્સ ઑફિસ દ્વારા ૧૪ જૂનથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

ભારત સાથે ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટના ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના સોદામાં ‘ભ્રષ્ટાચાર અને પક્ષપાત’ના આરોપોની અદાલતી તપાસ ફ્રાન્સની સરકારે શરૂ કરી છે. અત્યંત સંવેદનશીલ મુદ્દાની તપાસ માટે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી હોવાનું ફ્રાન્સની ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ ‘મીડિયાપાર્ટ’ પર જણાવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલા સોદા બાબતે નૅશનલ ફાઇનૅન્શિયલ પ્રોસીક્યુટર્સ ઑફિસ દ્વારા ૧૪ જૂનથી તપાસ શરૂ કરવામાં આવી હતી. એ ઑફિસે અદાલતી તપાસનો હુકમ કર્યો હોવાનું ‘મીડિયાપાર્ટ’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

કૉન્ગ્રેસની જેપીસી તપાસની ડિમાન્ડ
 ફ્રાન્સની સરકારે તપાસનો આદેશ આપ્યાના સમાચારને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાફેલ સોદાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી : જેપીસી) દ્વારા કરાવવાનો અનુરોધ કૉન્ગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કર્યો હતો. સુરજેવાલાએ ગઈ કાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર હવે ખુલ્લો પડી ગયો છે. ફ્રાન્સની સરકારે આપેલો રાફેલ સોદાની તપાસનો આદેશ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના આરોપોને સમર્થનરૂપ છે.’ ફ્રાન્સની સરકારના તપાસના આદેશ અને રણદીપ સુરજેવાલાની માગણી બાબતે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર કે બીજેપી તરફથી કોઈ પ્રત્યાઘાત વ્યક્ત કરવામાં આવ્યો નથી. 

National News rafale deal france