છ મહિનાના બાળકે લખેલા પત્રએ ફ્લાઇટના સહપ્રવાસીઓનાં દિલ જીતી લીધાં

19 March, 2025 08:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીથી બૅન્ગલોર જતા એક કપલે પોતાના ૬ મહિનાના બાળકને પહેલી વાર પ્લેનમાં ટ્રાવેલ કરાવતાં પહેલાં સાથી-પૅસેન્જરોને પહેલેથી જ પડનારી અગવડ માટે અનોખી રીતે માફી માગી લીધી હતી.

છ મહિનાના બાળકે લખેલા પત્રએ ફ્લાઇટના સહપ્રવાસીઓનાં દિલ જીતી લીધાં

સામાન્ય રીતે નવજાત બાળકો ઍર-ટ્રાવેલ કરે ત્યારે અચાનક કાનમાં વધી જતા પ્રેશર અને પેટમાં ફાળ પડતી હોય એવા અનુભવને કારણે રડારોળ કરી મૂકે છે. એવામાં સહપ્રવાસીઓની શાંતિનો ભંગ થાય અને ક્યારેક ઇરિટેટ થઈ જવાય એવું બને. જોકે દિલ્હીથી બૅન્ગલોર જતા એક કપલે પોતાના ૬ મહિનાના બાળકને પહેલી વાર પ્લેનમાં ટ્રાવેલ કરાવતાં પહેલાં સાથી-પૅસેન્જરોને પહેલેથી જ પડનારી અગવડ માટે અનોખી રીતે માફી માગી લીધી હતી. આ કપલે પ્લેનમાં બેઠેલા દરેક મુસાફરને એક નાના પાઉચમાં ઇઅર-પ્લગ અને ચૉકલેટ્સ સાથે એક નાનું કાર્ડ આપ્યું હતું. એ કાર્ડમાં જાણે તેમનું ૬ મહિનાનું બાળક ડાયરેક્ટ મુસાફરોને કહી રહ્યું હોય એમ પહેલેથી જ માફી લખી હતી.

પત્રમાં લખ્યું હતું : ‘મારું નામ જેરેમિયા છે અને આજે મારી પહેલવહેલી ફ્લાઇટ-સવારી છે. હું હજી જસ્ટ ૬ મહિનાની છું ત્યારે બની શકે કે હું થોડી ક્રૅન્કી થઈ જાઉં, મારા કાનમાં ધાક પડે, મારા પેટમાં અજીબોગરીબ ગરબડ ફીલ થાય ત્યારે હું કદાચ ખૂબ જોરજોરથી મારી ફીલિંગ્સ વ્યક્ત કરી બેસું (મને કહેવામાં આવ્યું છે કે એને રડવું કહેવાય). એવા સમયે ફ્લાઇટમાં જે કાગારોળ મચે એ માટે સૉરી… પ્લીઝ, આ સાથે ઇઅરપ્લગ અને ચૉકલેટ્સ આપું છું જે કદાચ તમારી બૅન્ગલોરની ટ્રિપને સ્વીટ બનાવશે. તમારી ધીરજ બદલ થૅન્ક યુ… અને પ્રૉમિસ કરું છું કે મારી નેક્સ્ટ ટ્રિપમાં હું મારી ટ્રાવેલ-મૅનર્સ પર કામ કરીશ.’

ટ્રાવેલિંગની શરૂઆતમાં જ આવી નોટ સાથે કમ્ફર્ટ-કિટ આપીને પેરન્ટ્સે સાથી મુસાફરોની લાગણી જીતી લીધી હતી. 

new delhi delhi news bengaluru national news Bharat india