ઓમાઇક્રોન દરેકને મારી નાખશે એ ડરથી ડિપ્રેસ્ડ ડૉક્ટરે પત્ની-સંતાનોની હત્યા કરી

05 December, 2021 09:05 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

આ બનાવના સ્થળેથી પોલીસને એક ડાયરી મળી છે જેનાથી જાણવા મળે છે કે આ ડૉક્ટરને કોરોનાના નવા ઓમાઇક્રોન વેરિઅન્ટથી ચિંતા હતી

પ્રતીકાત્મક તસવીર

ઓમાઇક્રોનથી અત્યારે સમગ્ર દુનિયામાં ખૂબ જ દહેશત છે. જોકે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઓમાઇક્રોનના ડરનો એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો હતો. અહીં એક ડૉક્ટરે તેની વાઇફ અને બે બાળકોની શુક્રવારે કથિત હત્યા કરી હતી. તે અત્યારે ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. 
આ બનાવના સ્થળેથી પોલીસને એક ડાયરી મળી છે જેનાથી જાણવા મળે છે કે આ ડૉક્ટરને કોરોનાના નવા ઓમાઇક્રોન વેરિઅન્ટથી ચિંતા હતી. 
તેણે આ ડાયરીમાં લખ્યું હતું કે ‘ઓમાઇક્રોન દરેકને મારી નાખશે. મારી બેદરકારીના કારણે હું એવી સ્થિતિમાં ફસાયો છું કે અહીંથી બચીને જવું મુશ્કેલ છે.’ આ આરોપી લાંબા સમયથી ડિપ્રેસ્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
કાનપુરની એક હૉસ્પિટલના ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સુશીલ કુમારે તેની ૪૮ વર્ષની પત્ની, ૧૮ વર્ષનો દીકરો અને ૧૫ વર્ષની દીકરીની હત્યા કરી હતી. એ પછી તેના ભાઈને મેસેજ કરીને પોલીસને કૉલ કરવા કહ્યું હતું. પોલીસ કે તેનો ભાઈ પહોંચે એ પહેલાં તે ત્યાંથી ભાગી ગયો હતો. 
પોલીસને મળેલી ડાયરીમાં સુશીલ કુમારે જણાવ્યું હતું કે તે ક્યૉર ન થઈ શકે એવી એક બીમારીનો સામનો કરી રહ્યો છે. સાથે જ તેણે લખ્યું હતું કે તે તેની ફૅમિલીને મુશ્કેલીમાં મૂકીને ન જઈ શકે એટલા માટે તેણે તમામને મુક્ત કરી દીધા છે. 

national news kanpur Omicron Variant