17 March, 2026 10:28 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓડિશામાં રાજ્યસભાની ૪ બેઠકો માટે ચૂંટણી ભારે સ્પર્ધા અને ક્રૉસવોટિંગના આરોપો વચ્ચે પૂરી થઈ હતી. કૉન્ગ્રેસના ૩ અને બીજુ જનતા દલ (BJD)ના બે મળીને કુલ પાંચ વિધાનસભ્યોએ BJP સમર્થિત ઉમેદવાર દિલીપ રેના પક્ષમાં મતદાન કર્યું હતું. કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભક્તા ચરણ દાસે કહ્યું હતું કે રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદૌસે BJPના પક્ષમાં મતદાન કર્યું હતું. બીજી તરફ BJDના દેવી રંજન ત્રિપાઠી અને સૌવિક બિસ્વાલે પણ BJPના પક્ષમાં મતદાન કર્યું હતું.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે મને ખ્યાલ હતો કે BJP હૉર્સ-ટ્રેડિંગમાં સામેલ થશે. BJPના વરિષ્ઠ નેતા અને ઓડિશા BJPના પ્રમુખ મનમોહન સમાલે બેઠક જીતી લીધી હતી. પક્ષના વર્તમાન રાજ્યસભાના સંસદસભ્ય સુજિત કુમાર ફરીથી ચૂંટાયા હતા અને BJP સમર્થિત અપક્ષ ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે પણ જીત્યા હતા, જેમને BJD અને કૉન્ગ્રેસના વિધાનસભ્યોના ક્રૉસવોટિંગનો ફાયદો મળ્યો હતો. BJDના ઉમેદવાર સંતપ્ત મિશ્રાએ પણ જીત મેળવીને રાજ્યસભામાં પાર્ટીની હાજરી જાળવી રાખી હતી.
બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો પર નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના તમામ પાંચ ઉમેદવારોએ જીત મેળવી હતી. મહાગઠબંધન એક બેઠક જીતી શક્યું હોત, પરંતુ કૉન્ગ્રેસના ત્રણ અને રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના એક વિધાનસભ્ય મતદાનમાં ગેરહાજર રહ્યા હતા જેના પરિણામે NDA પાંચમી બેઠક પર પણ જીત મેળવી શક્યું હતું. બીજા-પસંદગીના મતોની ગણતરીના આધારે NDAના પાંચમા ઉમેદવાર શિવેશ રામે જીત મેળવી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને BJPના પ્રમુખ નીતિન નવીનને ચૂંટણીમાં ૪૪-૪૪ મત મળ્યા હતા. રામનાથ ઠાકુર અને ઉપેન્દ્ર કુશવાહાને ૪૨-૪૨ મત મળ્યા હતા. પાંચમી બેઠક માટે BJPના ઉમેદવાર શિવેશ રામને પહેલી પસંદગીમાં ૩૦ મત મળ્યા. જોકે શિવેશ રામે બીજી પસંદગીમાં RJDના એ. ડી. સિંહને હરાવ્યા હતા.