બંગાળના ઉપસાગરમાં બની રહ્યું છે ચક્રવાત અર્ણબ

23 September, 2026 02:21 PM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને તોફાની હવાની આશંકા: હવામાન ખાતાનું રેડ અલર્ટ

ચક્રવાત

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ‘અર્ણબ’ બની રહ્યું હોવાથી આગામી બે દિવસમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને તોફાની હવાની આશંકા છે. આ સંદર્ભમાં હવામાન ખાતાએ રેડ અલર્ટ જાહેર કર્યું છે. આ ચક્રવાતની અસર આ ત્રણ રાજ્યો સિવાય તેલંગણ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર સુધી જોવા મળી શકે એમ છે.
આ ચક્રવાત આજે ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. આ સિસ્ટમ આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં એ મજબૂત થવાની ધારણા છે. ત્યાર બાદ એ ડીપ- ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની ધારણા છે.

ચક્રવાત ઓડિશાના ગોપાલપુરથી ૨૦૦ કિલોમીટર અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી ૨૯૦ કિલોમીટર પૂર્વ તરફ દરિયામાં છે. એ ધીમે-ધીમે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આજે રાત્રે અને આવતી કાલે સવારે એની સૌથી વધારે અસર જોવા મળવાની સંભાવના છે.

ઓડિશાને સૌથી વધારે અસર
ઓડિશાને સૌથી વધારે અસર થવાની શક્યતા છે, કારણ કે રાજ્યના અનેક વિસ્તારોમાં પહેલેથી જ ભારે વરસાદ નોંધાયો છે. હવામાનની આ સ્થિતિને પગલે પ્રશાસને અનેક જિલ્લાઓમાં સ્કૂલો બંધ કરવાનો તેમ જ સંભવિત પૂર અને હવામાન સંબંધિત અન્ય ઘટનાઓનો સામનો કરવાની તૈયારી કરવાનો નિર્ણય લીધો છે. 

આંધ્ર પ્રદેશમાં રેડ અલર્ટ
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ અને વિજયનગરમ માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અને આવતી કાલે આ બે જિલ્લાઓ અને પાર્વતીપુરમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

બંગલાદેશે નામ આપ્યું ‘અર્ણબ’
હિન્દી મહાસાગરમાં આવતા ચક્રવાતોનાં નામોની યાદી અનુસાર આ પ્રદેશમાં બનનારા આગામી ચક્રવાતનું નામ ‘અર્ણબ’ રાખવામાં આવશે. બંગાળીમાં એનો અર્થ સમુદ્ર થાય છે. આ નામ બંગલાદેશે આપ્યું છે.

national news india andhra pradesh odisha bay of bengal west bengal