મોન્થાને કારણે આંધ્ર પ્રદેશમાં ૩૮૦ કિલોમીટરના રોડ, ૧૪ બ્રિજ અને ૮૭,૦૦૦ હેક્ટરનો પાક તબાહ

30 October, 2025 12:41 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

ઓડિશામાં ત્રણ કલાક સુધી આંધી સાથે ભારે વરસાદ પડ્યો, આઠ જિલ્લા ડૂબ્યા. ચક્રવાતમાં ૧૪૩૪ ગામ અને ૪૮ નગરપાલિકાઓના લગભગ ૧૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.

મોન્થાને કારણે આંધ્ર પ્રદેશના અમરાવતીની આસપાસનાં ખેતરો જળમગ્ન થઈ ગયાં હતાં.

ચક્રવાત મોન્થા ગઈ કાલે સવારે ઓડિશાના ગંજમ તટે પહોંચ્યું ત્યારે એની તીવ્રતા થોડીક ઘટી હતી, પરંતુ એમ છતાં લગભગ ત્રણ કલાક સુધી ભારે પવન ફૂંકાતો રહ્યો હતો અને તોફાનને કારણે તટરેખા જ નષ્ટ થઈ ગઈ હતી. રાજ્ય સરકારે તટવિસ્તારમાંથી કુલ ૪૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા.

ગંજમ પાસેનાં નાનાં ગામોમાં ઘરોને ભારે નુકસાન થયું હતું. ભારે વરસાદને કારણે ગંજમ, ગજપતિ, રાયગઢા, કોરાપુટ, મલકાનગિરિ, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર જિલ્લાઓમાં ભારે પૂરની સ્થિતિ રચાઈ હતી.

વિશાખાપટ્ટનમમાં અનેક રસ્તાઓ અને બ્રિજ ડૅમેજ થયા હતા.

ખૂબ જ શક્તિશાળી ચક્રવાત મોન્થા બુધવારે સૌપ્રથમ આંધ્ર પ્રદેશના તટ પર લૅન્ડફૉલ થયું અને એ લગભગ સાડાચાર કલાક ચાલ્યું હોવાથી ભારે પવન અને મુશળધાર વરસાદે ભારે નુકસાન કર્યું હતું. ગઈ કાલે મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે ‘મોન્થાને કારણે ૮૭,૦૦૦ હેક્ટરનો ઊભો પાક તબાહ થઈ ગયો છે. આ ઉપરાંત ૩૮૦ કિલોમીટરના રોડ અને ૧૪ બ્રિજને નુકસાન થયું છે અને ૫૯,૦૦૦ હેક્ટરનો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે.’

ચક્રવાતમાં ૧૪૩૪ ગામ અને ૪૮ નગરપાલિકાઓના લગભગ ૧૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. 

national news india cyclonic montha andhra pradesh south india Weather Update indian meteorological department