ચક્રવાત મોન્થાની અસર શરૂ: આજે મોસમનો મિજાજ ખતરનાક રહેશે

28 October, 2025 12:18 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

ઓડિશામાં ૧૨૮ ટીમો તહેનાત કરવામાં આવી છે. પવનની ગતિ ૮૦થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે એવી સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રેશરે સાઇક્લોનનું સ્વરૂપ ધારણ કર્યું એ પછી ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.

બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા સાઇક્લોન મોન્થાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ખૂબ જ ઝડપથી પૂર્વ ભારતના તટ તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોમાં તટવિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. મોન્થા ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તટ તરફ આગળ વધી રહ્યું છે અને આજે સાંજે અથવા તો રાત સુધીમાં આંધ્ર પ્રદેશના કાકીનાડા તટ પર ટકરાય એવી સંભાવના છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચક્રવાત ખૂબ ઝડપથીઆગળ વધી રહ્યું છે એ એક રીતે સારું છે, કેમ કે એનાથી દરિયામાં વધુ પ્રેશર ઊભું નહીં થાય. સમુદ્રમાં સેંકડો કિલોમીટર દૂર ઊઠેલા ચક્રવાતને કારણે ઑલરેડી આ ચાર રાજ્યોમાં પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ચારેય રાજ્યોમાં તટવિસ્તારોમાં રૅપિડ ઍક્શન ફોર્સની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે.

ઓડિશામાં ૧૨૮ ટીમો તહેનાત કરવામાં આવી છે. પવનની ગતિ ૮૦થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે એવી સંભાવના છે. આંધ્ર પ્રદેશમાં આજે અને આવતી કાલે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તટવિસ્તારના જિલ્લાઓમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તામિલનાડુમાં ચેન્નઈમાં ઑલરેડી વરસાદ શરૂ થઈ ગયો છે અને હજી આજે પણ પવન સાથે મુશળધાર વરસાદ પડી શકે છે.

પશ્ચિમ બંગાળમાં મંગળવારથી શુક્રવાર સુધી પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સંભાવના જતાવાઈ છે. 

કેરલામાં બેનાં મૃત્યુ
કેરલામાં જોરદાર પવન સાથે ભારે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. એવામાં એક માછીમારની નાવ પલટી જવાથી તેનું મોત થયું હતું અને એર્નાકુલમમાં વીજળી પડવાથી એક વ્યક્તિ મૃત્યુ પામી હતી.

national news india cyclonic montha Weather Update west bengal kerala odisha