જંતરમંતર પર આંદોલન દરમ્યાન BJPના ભૂતપૂર્વ વિધાનસભ્યની પુત્રીની છેડતી

28 July, 2026 09:26 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કોઈ યુવકે અયોગ્ય સ્પર્શ કર્યો અને વારંવાર કર્યો એટલે તેણે યુવકને ૩ લાફા ઝીંક્યા અને ફરિયાદ કરી તો વૉલન્ટિયર્સે કહ્યું કે આવી ભૂલો તો થાય

યશસ્વિની રાજે સિંહ

ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિક્રમ સિંહની પુત્રી યશસ્વિની રાજે સિંહે દિલ્હીના જંતરમંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન દરમ્યાન પોતાની છેડતી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શૅર કરીને ૨૪ જુલાઈએ બનેલી આ ઘટના વિશે ખુલાસો કર્યો છે.

યશસ્વિનીના જણાવ્યા અનુસાર તે મુખ્ય મંચ પાસે તેની બહેન સાથે વિરોધ-પ્રદર્શનમાં હાજર હતી. પ્રદર્શન-સ્થળેથી બહાર નીકળતી વખતે એક બૅરિકેડ પડી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભીડનો લાભ ઉઠાવીને પાછળ ઊભેલા એક અજાણ્યા યુવકે તેની સાથે ગેરવર્તણૂક કરીને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાના વિરોધમાં તેણે તે પુરુષને તરત જ ૩ લાફા ઝીંકી દીધા હતા. જોકે ત્યાં હાજર લોકોએ હુમલાખોર સામે કાર્યવાહી કરવાને બદલે યશસ્વિનીને જ ઠપકો આપ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે એક પુરુષ વૉલન્ટિયર તેના પર બરાડા પાડવા લાગ્યો હતો, જ્યારે બીજા વૉલન્ટિયરે ‘આવી ભૂલો તો થયા કરે’ કહીને સમગ્ર ગંભીર બાબતને હળવાશથી ઉડાવી દીધી હતી.

national news india bhartiya janta party bjp jantar mantar neet exam Crime News delhi police