સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો, પગાર વધશે

19 April, 2026 11:13 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કૅબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડિયરનેસ અલાવન્સ-DA)માં બે ટકાનો વધારો જાહેર કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

કૅબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડિયરનેસ અલાવન્સ-DA)માં બે ટકાનો વધારો જાહેર કર્યો છે. આનાથી તેમના પગાર અને એરિયર્સમાં વધારો થશે. અગાઉ ઑક્ટોબરમાં DA પંચાવન ટકાથી વધારીને ૫૮ ટકા કરવામાં આવ્યું હતું, જે ૨૦૨૫ની પહેલી જુલાઈથી અમલમાં આવ્યું હતું. એરિયર્સની રકમ પાછળથી ચૂકવવામાં આવી હતી, જેનો લાભ કર્મચારીઓ અને પેન્શનરો બન્નેને મળ્યો હતો. 

સરકાર વર્ષમાં બે વાર DA અને પેન્શનરો માટે ડિયરનેસ રિલીફ (DR)માં વધારો કરે છે. આ વધારાના કારણે બેઝિક પગાર ૫૦,૦૦૦ રૂપિયા ધરાવતા કર્મચારીને દર મહિને ૧૦૦૦ રૂપિયા વધારે મળશે. કૅબિનેટે પરિવારની વ્યાખ્યાને વિસ્તૃત કરીને આશ્રિત માતા-પિતાનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ નિર્ણય આઠમા પગારપંચની વધતી માગણીઓ વચ્ચે આવ્યો છે, જ્યાં ફિટમેન્ટ ફૅક્ટર વધારીને નોંધપાત્ર પગારવધારાની અપેક્ષા રાખવામાં આવી હતી. નૅશનલ કાઉન્સિલ-જૉઇન્ટ કન્સલ્ટેટિવ ​​મેકૅનિઝમ (NC-JCM)એ ૩.૮૩ના ફિટમેન્ટ ફૅક્ટરનો પ્રસ્તાવ મૂક્યો છે, જે લઘુતમ મૂળ પગાર ૧૮,૦૦૦ રૂપિયાથી વધારીને આશરે ૬૯,૦૦૦ રૂપિયા કરી શકે છે. સરકારના આ નિર્ણયથી આશરે ૧.૧૯ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

national news india indian government government jobs