16 November, 2025 09:04 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ડૉ. ઉમર નબી
દિલ્હીમાં ગયા સોમવારે સાંજે લાલ કિલ્લાની પાસે થયેલા વિસ્ફોટમાં બે કિલોથી વધુ અમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એમાં ઉમેરવામાં આવ્યું છે કે વિસ્ફોટ કરનારી કારનો ડ્રાઇવર ડૉ. ઉમર નબી બૉમ્બ બનાવવામાં નિષ્ણાત હતો. ફૉરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં વપરાયેલા વિસ્ફોટકોને માત્ર પાંચથી ૧૦ મિનિટમાં તૈયાર કરી શકાય છે.
વિસ્ફોટ વિશે તપાસ કરનારી એજન્સીઓનાં સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે ડૉ. ઉમર નબી બૉમ્બ બનાવવામાં નિષ્ણાત હતો. ફૉરેન્સિક ટીમ દ્વારા અત્યાર સુધી મેળવેલા બાવનથી વધુ વિસ્ફોટક નમૂનાઓ દર્શાવે છે કે ઉમરે અમોનિયમ નાઇટ્રેટ, પેટ્રોલિયમ અને વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરીને વિસ્ફોટક તૈયાર કર્યો હશે.
સુરક્ષા એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે ઉમર નબીએ વિસ્ફોટકો નજીકના પાર્કિંગ-લૉટમાં તૈયાર કર્યા હતા કે કેમ, જ્યાં તેણે વિસ્ફોટ પહેલાં ૩ કલાકથી વધુ સમય માટે કાર પાર્ક કરી હતી. તે બપોરે ૩.૧૯ વાગ્યે પાર્કિંગમાં પ્રવેશ્યો હતો અને સાંજે ૬.૨૮ વાગ્યે બહાર નીકળ્યો હતો. તેની કાર આશરે અડધા કલાક બાદ ૬.૫૫ વાગ્યે લાલ કિલા મેટ્રો સ્ટેશન નજીક ટ્રાફિક સિગ્નલ પર અટકી અને વિસ્ફોટ થયો હતો.