20 August, 2025 10:42 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
Delhiનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા
દિલ્હી (Delhi)નાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે સવારે તેમના જ સરકારી નિવાસસ્થાનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમના પર આઘાતજનક ઘટના બની. એક અજાણ્યા શખ્સે આવીને મુખ્યમંત્રીના ગાલ પર તમાચો ચોડી દીધો હતો. જોકે પોલીસ દ્વારા તે શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ હાથ ધરાઈ છે.
દિલ્હી (Delhi) ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા જણાવે છે કે પાર્ટી સિવિલ લાઇન્સમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને જાહેર સુનાવણીનો કાર્યક્રમ હતો, તે દરમિયાન આ બીના બની હતી. મુખ્યમંત્રી લોકોની વાત સાંભળી રહ્યાં હતાં ત્યાં જ અચાનક પાછળથી અવાજ આવ્યો અને અમે બધા પાછળ જોવા લાગ્યા તેટલામાં તો એક શખ્સે આવીને મુખ્યમંત્રીને લાફો મારી દીધો હતો. કહે છે કે આ હુમલાખોર તકની રાહ જોઇને જ બેઠો જ હતો. આ ઘટના સવારે 8.05-8.10 વાગ્યે બની હતી. પોલીસ હુમલાખોરને લઈ ગઈ હતી. આ ઘટનાથી રેખાજીને આઘાત લાગ્યો હતો. તે ડઘાઈ ગયાં હતાં. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
દર અઠવાડિયે સેંકડો લોકો પોતાની ફરિયાદો લઈને સિવિલ લાઇન્સમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતા હોય છે, ત્યાં મુખ્યમંત્રી પોતે તમામ લોકોની ફરિયાદ સાંભળે છે અને યથાયોગ્ય જવાબ પણ આપે છે. આજની મીટીંગ રમિયાન લગભગ 35 વર્ષના એક વ્યક્તિએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી આગળ કેટલાંક કાગળો રજુ કર્યા હતા. ત્યારબાદ તે કશુક બોલી રહ્યો હતો. અચાનક તેટલામાં તો મુખ્યમંત્રી પર હુમલો કરાયો. આ ઘટનાની પુષ્ટિ કરતાં દિલ્હી (Delhi) ભાજપે જણાવ્યું હતું કે હુમલાખોરે રેખા ગુપ્તાને થપ્પડ મારી હતી અને અપશબ્દો પણ કહી સંભળાવ્યા હતા. આજે બનેલી આ આઘાતજનક ઘટના બાબતે દિલ્હીના CMO પર જણાવાયું છે કે "આજે જાહેર સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ સીએમ રેખા ગુપ્તા પર હુમલો કર્યો. દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. હુમલાખોરને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે."
દિલ્હી (Delhi) વિધાનસભામાં વિપક્ષની નેતા અને આપ નેતા આતિશીએ પણ આ ઘટના અંગે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું છે કે, "રેખા ગુપ્તા પર કરવામાં આવેલ હુમલો અત્યંત નિંદનીય છે. લોકશાહીમાં અસંમતિ અને વિરોધ માટે જગ્યા છે, પરંતુ હિંસાને તો કોઈ સ્થાન નથી જ. મને આશા છે કે દિલ્હી પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે. હું આશા રાખું છું કે મુખ્યમંત્રી સુરક્ષિત છે."
રેખા ગુપ્તા ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ દિલ્હીનાં મુખ્યમંત્રી બન્યાં હતાં. તેમણે આમ આદમી પાર્ટીની વંદના કુમારીને ૨૯,૫૯૫ મતોથી માત આપી હતી. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલાં છે. મુખ્યમંત્રીના પદ પર આવતાં પહેલાં તેઓ ભાજપના દિલ્હી એકમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે. જોકે આમ કોઈ આવીને મુખ્યમંત્રીને લાફો મારી જાય તે નાનીસુની વાત તો નથી જ. તે ગંભીર મુદ્દો છે.