31 July, 2026 09:52 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દિલ્હીની એક હાઉસિંગ સોસાયટીના પાર્કિંગ એરિયામાં એક યુવક-યુવતીની અંગત ક્ષણોનો વિડિયો શૂટ કરીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરનારી મહિલા વિવાદમાં સપડાઈ છે. લોકોએ જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરનાર યુગલ કરતાં પણ વિના પરવાનગીએ વિડિયો ઉતારીને એને વાઇરલ કરનારી મહિલાની આકરી ટીકા કરી છે અને આ કિસ્સાને પ્રાઇવસી પર તરાપ સમાન ગણાવ્યો છે.
સોશ્યલ મીડિયા પર ૭૩ સેકન્ડની એક વિડિયો-ક્લિપ શૅર કરવામાં આવી હતી. આ વિડિયો કોઈ સોસાયટીના પાર્કિંગ એરિયાનો હોવાનું કહેવાય છે જેમાં એક કપલ કિસ કરતું નજરે પડે છે. વિડિયો શૅર કરીને મહિલાએ લખ્યું હતું કે ‘સવારે મારી પુત્રીને સ્કૂલ-બસ સુધી મૂકવા જતી વખતે આ દૃશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. દિલ્હીમાં આવી હરકતો હવે દરેક ગલી-નાકા પર જોવા મળી રહી છે. આ વિડિયો મારી જ સોસાયટીનો અને બે દિવસ જૂનો છે. ઘણું વિચાર્યા પછી મેં એને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.’
આ પોસ્ટ વાઇરલ થતાં જ એને લાખો વ્યુઝ મળ્યા હતા, પરંતુ કમેન્ટ-સેક્શન વૈચારિક મતભેદોનું કેન્દ્ર બની ગયું હતું. યુઝર્સ આ મુદ્દે બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. કેટલાક લોકોએ મહિલાની ચિંતાનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે સંસ્કારો અને સામાજિક મૂલ્યો બદલાઈ રહ્યાં છે તથા આજના યુવાનોએ અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ.
શું કહ્યું લોકોએ?
મોટા ભાગના નેટિઝન્સે મહિલાના આ પગલાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિની પરવાનગી વગર તેની અંગત ક્ષણોનો વિડિયો રેકૉર્ડ કરીને સાર્વજનિક કરવો એ નૈતિક અને કાયદાકીય રીતે ખોટું છે. એક યુઝરે આક્રોશ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘લાઇક્સ અને વ્યુઝ માટે કોઈની પ્રાઇવસીનો ભંગ કરવો અયોગ્ય છે. જો તમને વાંધો હતો તો તમે તેમને રૂબરૂ સમજાવી શકતાં હતાં, પરંતુ વિના પરવાનગીએ વિડિયો વાઇરલ કરીને બાળકોને બદનામ કરવાનો તમને કોઈ અધિકાર નથી.’
અન્ય કેટલાક લોકોએ મૉરલ પોલિસિંગ સામે સવાલ ઉઠાવતાં ઉમેર્યું હતું કે સમાજમાં મહિલાઓની છેડતી કે અન્ય ગંભીર ગુનાઓ બને છે ત્યારે લોકો મૌન રહે છે, પરંતુ કોઈ કપલ પ્રેમાળ ક્ષણો વિતાવતું હોય ત્યારે તરત જ નૈતિકતાના પાઠ ભણાવવા આવી પહોંચે છે. આમ દિલ્હીની આ ઘટનાએ સોશ્યલ મીડિયા પર સાર્વજનિક નૈતિકતા અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય વચ્ચે એક નવી ચર્ચા જગાવી છે.