18 February, 2025 07:04 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ધરતીકંપની પ્રતીકાત્મક તસવીર
આજે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાંથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. આજે દિલ્હીમાં ભૂકંપના આંચકા (Delhi Earthquake) અનુભવાયા હતા. સવારે લગભગ 5.36 વાગ્યાની આસપાસ દિલ્હી-એનસીઆરની ધરતી ધ્રુજી ઉઠી હતી.
ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર અને કેટલી તીવ્રતા સાથે આવ્યો આંચકો?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)ના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર દિલ્હી-એનસીઆર હોવાની માહિતી મળી છે. લગભગ 5 કિમી ઊંડું તેનું કેન્દ્ર (Delhi Earthquake) હોવાની માહિતી છે. આ ભૂકંપનાં આંચકા એટલા જોરદાર હતા કે લોકોએ તે મહેસુસ કર્યા હતા અને લોકો પોતાનો જીવ બચાવવા ઘરમાંથી બહાર ભાગી આવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પરથી આપી માહિતી
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, "દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. બધાને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા, સંભવિત આંચકાઓથી સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે. અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે."
અતિષીએ પણ એક્સ પર લખી છે પોસ્ટ
આજે વહેલી સવારે જ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા (Delhi Earthquake) ત્યારે લોકો ડરી ગયા હતા અને સૌ પોતાનો જીવ બચાવવા માટે ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂકંપના આંચકા જોરદાર હતા. આની તીવ્રતા 4.0 હોઇ ઘરોની દિવાલો ધરાશાયી થવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. અત્યારે દિલ્હીમાં કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે અતિષી ફરજ બજાવી રહ્યાં છે ત્યારે તેઓએ ભૂકંપ બાદ લોકોને શાંતિ રાખવા અને બધુ સમુંસૂતરું પાર પડે એ માટે પ્રાર્થના કરી હતી.
યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ પણ દિલ્હી-એનસીઆરમાં આંચકાની પુષ્ટિ કરી છે. સોમવારે વહેલી સવારે 280થી વધુ લોકોએ ભૂકંપના આંચકાની જાણ કરી હતી. જોકે, ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ નુકસાન થયાના અહેવાલ નથી. આ વિશે વધુ માહિતી સામે આવશે.
કયા કારણોસર આવતો હોય છે ભૂકંપ? જરા, વિગતે સમજીએ
ભૂકંપ (Delhi Earthquake) શા માટે આવે છે? આ પ્રશ્ન આપણને થાય. હવે તમને જણાવી દઈએ કે પૃથ્વીના પેટાળમાં સાત પ્લેટ્સ આવેલ છે. કહેવાય છે કે તે સતત ફરતી રહે છે. પણ જ્યારે આ પ્લેટોમાં ઘર્ષણ પેદા થાય છે ત્યારે છે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. આ પ્રમાણે વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જતાં હોય છે. એવામાં જ્યારે દબાણનું જોર ખૂબ જ વધી જાય છે ત્યારે પ્લેટો તૂટવા માંડે છે. આ સમયે તળેટીની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ થવાને કારણે ધરતી ધ્રૂજે છે.