Delhi election results 2025 : 27 વર્ષ બાદ દિલ્હીમાં આ કારણોસર ખીલ્યું કમળ

11 February, 2025 06:57 AM IST  |  Mumbai | Manav Desai

Delhi election results 2025: " You can fool all of the people some of the time; you can fool some of the people all of the time, but you can`t fool all the people all the time". આમ આદમી પાર્ટીની અધોગતિને આ એક વાક્યમાં વર્ણવી શકાય છે.

અરવિંદ કેજરીવાલ , નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની તસવીરનો કૉલાજ

૨૭ વર્ષના વનવાસ બાદ દિલ્હીમાં બીજેપીનું આગમન થયું છે ત્યારે  આ સત્તાપલટના કારણો જાણવા ખૂબ જ અગત્યના છે, ચાલો જાણીએ આપના ફરી વળેલા ઝાડુ અને કાદવમાં કમળ ખીલવા પાછળના તથ્યો અને ચોંકાવનારા ખૂલાસાઓ (Delhi election results 2025)

અંગ્રેજીમાં એક કહેવત છે " You can fool all of the people some of the time; you can fool some of the people all of the time, but you can`t fool all the people all the time". આમ આદમી પાર્ટીની અધોગતિને આ એક વાક્યમાં વર્ણવી શકાય છે. જન લોકપાલ બિલ અને ભ્રષ્ટાચાર નિર્મૂલનના ધ્યેયથી અને અન્ના હઝારેના સપોર્ટ સાથે કેજરીવાલે રાજકારણમાં પ્રવેશ કર્યો. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ શપથ લીધી કે તેઓ ક્યારે નેતા નહીં બને અને તેના બાદના વર્ષે એટલે ૨૦૧૩માં આપે દિલ્હીમાં ચૂંટણી જીતી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.(Delhi election results 2025)

છેલ્લા ૧૦ વર્ષમાં બે વાર ૬૦થી વધુ સીટો જીતનાર આપના મુખ્ય નેતા કેજરીવાલથી માંડીને મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ જેવા બાહુબલી નેતા પોતાની સીટો હાર્યા છે. આ હાર સ્પષ્ટ જણાવે છે કે હવે દિલ વાલો કી દિલ્હીના દિલમાં આપનું સ્થાન અને સન્માન નહીંવત થઈ ગયું છે. (Delhi election results 2025)આપની પોતાની સરકાર દિલ્હીમાં ૧૦ વર્ષોથી છે અને તેઓ પોતે જ બીજેપીના નેતાને યમુનાનું પાણી પીવાનો પડકાર આપે છે. ખરું ગાંડપણ ને? ફ્રીબીઝ એટલે કે મફતમાં આપવામાં આવતી વસ્તુઓ દ્વારા વોટ ખરીદવા હવે દિલ્હીની જનતાને સમજાવા લાગ્યું છે. દિલ્હીની મહિલાઓ કહે છે "અમને મફતના ૨૧૦૦ નહીં સ્વચ્છ રસ્તાઓ અને પીવા લાયક પાણી જોઈએ છે." (Delhi election results 2025)

સ્વાભાવિક છે, એક વખત બાદ મહેનત કરી ટેક્સ ભરતો મિડલ ક્લાસ પૂછશે તો ખરો જ કે "આ બધુ મફતનું અમારા આપેલ પૈસે જ મળે છે ને ?", અને જ્યારે તેને જવાબ ના મળે ત્યારે તે વોટ દ્વારા વળતો જવાબ આપે છે. સુંદર અને સુલભ ભાષામાં બુદ્ધિજીવીઓ આવા વૉટર્સને "સાઇલેન્ટ વૉટર્સ " કહે છે. એક તરફ મનીષ સિસોદિયા સારા શિક્ષણ અને સુખ-સુવિધાઓથી ભરપૂર શાળા બનાવે છે ત્યારે કેજરીવાલ એક પર એક ફ્રી બાટલીઓ આપી દારૂ પીવડાવે છે. આવું હું નહીં દિલ્હીની જનતા કહે છે. સ્વાભાવિક છે કે સરકારને દારૂના લાઇસન્સથી સૌથી વધુ કમાણી થતી હોય છે, પણ મંદિર મસ્જિદ અને ગુરુદ્વારાના પરિસરોમાં પણ દારૂના ઠેકા ખોલવાની પરવાનગી? આ તે વળી કેવું સુશાસન. (Delhi election results 2025)

મફત વીજળી, મફત પાણી, મફત ટ્રાવેલ સર્વિસ...કહેવું સહેલું અને કરવું અઘરું. સપના બતાવી આશા રાખવી અને આશાના ટુકડે ટુકડા થઈ નિરાશા હાથ આવે એના કરતાં તો સત્યનો સામનો કરવો સારું. આવું જ વિચારતાં હશે દિલ્હીના મતદારો. એક બાજુ તમે બીજેપીને ધર્મની રાજનીતિ કરવાના આરોપમાં ઘેરો છો અને ત્યાર બાદ તમે જ પંડિતો માટે નવા વેતનની યોજનાઓ લઈ આવો છો. આઝાદી બાદ દેશ સાથે દેશનો મતદાતા પણ હોંશિયાર થતો ગયો છે. ઈંટનો જવાબ પત્થરથી નહીં EVMથી આપે છે. આપ માટે બાકી રહ્યું એટલું કોંગ્રેસએ પણ પતાવ્યું છે. લોકસભામાં ભાઈ-ભાઈ રમતાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સામ સામે આવી હાસ્યપાત્ર બન્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ પણ આપને મળતા મહત્તમ મુસ્લિમ મતો તોડ્યા છે. (Delhi election results 2025)

જનતાએ હવે બીજેપી પર ભરોસો દર્શાવ્યો છે અને મેનિફેસ્ટોમાં આપેલ વાયદા જો તેઓ પૂરા કરે તો દિલ્હીનું આગામી ભવિષ્ય પ્રદૂષણના ઢંકાયેલા અંધારામાંથી બહાર આવી શકશે અને જો યમુનાના વેગ સાથે વહેતો ઝેરી ગૅસ જોઈ કોઈ નેતાનું હ્રદય પરિવર્તન ન થાય તો દિલ્હીને મા યમુના જ બચાવી શકશે. (Delhi election results 2025)

arvind kejriwal Atishi Marlena atishi marlena singh aam aadmi party manish sisodia delhi news new delhi bharatiya janata party national news delhi elections assembly elections