આ માણસ જેલમાં જવાને જ લાયક છે એમ નથી લાગતું?

12 July, 2026 07:20 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ચેક બાઉન્સિંગના કેસની સુનાવણીમાં આડોડાઈ કરીને કહ્યું કે પૈસા પાછા આપવા કરતાં પાંચ વખત જેલમાં જવાનું પસંદ કરીશ, જજે ત્રણ મહિના માટે કરી દીધો અંદર

રાજપાલ યાદવ

હાલમાં સમાચાર આવ્યા હતા કે દિલ્હી હાઈ કોર્ટે શુક્રવારે અભિનેતા રાજપાલ યાદવ અને તેની પત્ની રાધા રાજપાલ યાદવને ચેક બાઉન્સિંગના કેસમાં મળેલી સજાને યથાવત્ રાખી છે. દિલ્હી હાઈ કોર્ટે રાજપાલ યાદવને ચેક બાઉન્સિંગના તમામ ૭ કેસમાં ત્રણ-ત્રણ મહિનાની સાદી કેદની સજા સંભળાવી છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ સજાઓ એકસાથે ભોગવવાની હોવાથી તેને કુલ ત્રણ મહિનાની જ જેલની સજા ભોગવવી પડશે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ પોતાના ચુકાદામાં જણાવ્યું કે કોર્ટ દ્વારા વર્ષો સુધી અરજદારોને અનેક તક અને રાહતો આપવામાં આવી હતી તેમ છતાં તેઓ કોર્ટ સમક્ષ આપેલાં વચનોનું વારંવાર પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સુનાવણી વખતે હાઈ કોર્ટના જણાવ્યા મુજબ કેસમાં મહત્ત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજપાલ યાદવે કોર્ટને જણાવ્યું હતું કે તે ફરિયાદીને કોઈ રકમ ચૂકવવા તૈયાર નથી અને પૈસા પાછા આપવા કરતાં પાંચ વખત જેલ જવાનું પસંદ કરશે. આ નિવેદન પર ટિપ્પણી કરતાં જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું કે ‘કોઈ પણ પક્ષકાર પાસે જેલ જવાનો વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્રતા હોઈ શકે છે, પણ તે કાયદાથી ઉપર હોઈ શકતો નથી અને કોર્ટ સમક્ષ આપવામાં આવેલાં વચનોને પણ રદ કરી શકતો નથી.’

રાજપાલના આ આડોડાઈભર્યા વલણ મામલે હાઈ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે ‘કાયદો કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી કે જેને કોઈ અભિનેતાની ઇચ્છા મુજબ ફરીથી લખી શકાય. વ્યૂહરચના બદલવાથી કાનૂની સ્થિતિ બદલાઈ જતી નથી. કોર્ટ સ્થાપિત કાનૂની સિદ્ધાંતોના આધારે નિર્ણય આપે છે અને દરેક પક્ષકાર પાસેથી ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે સન્માન તથા નિષ્પક્ષ વર્તનની અપેક્ષા રાખે છે.’

national news delhi high court rajpal yadav india Crime News crime