ફાયર NOC વગરની દિલ્હીની હોટેલમાં કાતિલ અગનખેલ: ૨૧ જણના જીવ ગયા

04 June, 2026 07:45 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

હોટેલ પાસે ફાયર NOC નહીં, સિંગલ એન્ટ્રી-એક્ઝિટઃ ૬ રૂમની પરવાનગી સામે બાંધવામાં આવી પચીસ રૂમ

દિલ્હીના માલવીયનગરમાં પાંચ માળની એક હોટેલમાં સવારે ૮.૫૦ વાગ્યે આગ ફાટી નીકળી હતા અને જોતજોતાંમાં એ બેઝમેન્ટથી લઈને ઉપરના માળો સુધી ફેલાઈ ગઈ હતી.

દિલ્હીમાં પાંચ માળની હોટેલમાં આગ, ૧૧ વિદેશી અને ૧૦ ભારતીય મળીને કુલ ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો, હૉસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં પણ ઘણા ગંભીર હોવાથી મરણાંક વધે એવી શક્યતા: દિલ્હીમાં પાંચ માળની હોટેલમાં આગ, ૧૧ વિદેશી અને ૧૦ ભારતીય મળીને કુલ ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો, હૉસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં પણ ઘણા ગંભીર હોવાથી મરણાંક વધે એવી શક્યતા

દિલ્હીના માલવીયનગરમાં હૌઝ રાની વિસ્તારમાં ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ પાંચ માળની ફ્લોરિશ સ્ટે B ઍન્ડ B (બ્રેડ ઍન્ડ બ્રેકફાસ્ટ) હોટેલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૧૧ વિદેશી અને ૧૦ ભારતીય સહિત ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આશરે ૪૦ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોનો ઉપચાર ચાલી રહ્યો છે અને એમાંથી ૧૯ જણ ગંભીર હોવાથી મરણાંક વધવાની શક્યતા છે. જીવ ગુમાવનારા વિદેશીઓમાં ૯ આફ્રિકન અને બે તુર્કમેનિસ્તાનના છે. બેઝમેન્ટમાં જે લોકોએ જીવ ગુમાવ્યો તેમનાં મૃત્યુ ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફને કારણે થયાં હતાં. 

પહેલા માળે આગ લાગી
આશરે ૮.૪૦ વાગ્યે આગ હોટેલના પહેલા માળે આવેલી રેસ્ટોરાંમાં લાગી હતી અને ઉપરના માળ અને બેઝમેન્ટમાં પહોંચી હતી. ફાયર-બ્રિગેડે ૩૭ લોકોને બહાર કાઢ્યા હતા. આગની જ્વાળાઓમાં પણ લોકો જીવ બચાવવા માટે ત્રીજા અને ચોથા માળેથી કૂદી પડ્યા હતા. તેમને બચાવવા માટે લોકોએ નીચે પથારીઓ બિછાવી દીધી હતી.

ગંભીર બેદરકારી
આ હોટેલ માટે ફાયર-બ્રિગેડ પાસેથી કોઈ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવામાં આવ્યું નહોતું. માત્ર ૬ રૂમો બાંધવાની પરવાનગી હોવા છતાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપર પાંચ માળ મળીને કુલ ૨૫ રૂમ બાંધી દેવામાં આવી હતી. આખું બિલ્ડિંગ સંપૂર્ણપણે સીલબંધ હતું અને એમાં કોઈ વેન્ટિલેશન નહોતું. બાથરૂમ સહિત બધી બારીઓ બંધ હતી. આગ લાગવાની ઘટનામાં આવું સ્ટ્રક્ચર ચીમની જેવું કામ કરે છે. એક જ સીડીને કારણે ધુમાડો અને ગરમી ઝડપથી ઉપરના માળે પહોંચી ગયાં હતાં. ધુમાડાથી લોકો બહાર નીકળી શક્યા નહીં. ફાયર-અધિકારીઓના જણાવ્યા અનુસાર બિલ્ડિંગમાં આંતરિક અગ્નિ સુરક્ષાવ્યવસ્થાનો અભાવ હતો. બચાવ-કામગીરીમાં એક ફાયર-ફાઇટર પણ ઘાયલ થયો હતો.

ચોથા માળની બારીઓમાંથી લોકોએ કૂદકો માર્યો હતો. નીચે ગાદલાં મૂકવામાં આવ્યાં હતાં.

હોટેલમાલિક ફરાર
આગની જાણકારી મળતાં હોટેલમાલિક લવકેશ બજાજ લગભગ ૧૫ મિનિટ પછી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તે આશરે ચાલીસથી ૪૫ મિનિટ સુધી ત્યાં રહ્યો હતો અને પરિસ્થિતિ પર નજર રાખી હતી. મરણાંક વધતાં અને અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થતાં તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

સારવાર કરવા આવતા લોકો રહેતા
આ હોટેલમાં વિદેશથી ભારતમાં સારવાર કરાવવા માટે આવતા લોકો રહેતા હતા. કૉન્ગોથી પોતાના સગાની સારવાર કરાવવા આવેલી યુવતી પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી.

૧૦ પોલીસ AIIMSના ટ્રૉમા સેન્ટરમાં દાખલ 
આગની બચાવ-કામગીરી દરમ્યાન ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતાં દિલ્હી પોલીસના ૧૦ કર્મચારીઓને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગંભીર રીતે ઘાયલ પરિવારજનોની સ્થિતિ જોઈને દિલ્હીની મૅક્સ હૉસ્પિટલની બહાર આક્રંદ કરી રહેલા પરિવારજનો.

હોટેલમાલિક સામે લુકઆઉટ નોટિસ
હોટેલના માલિક લવકેશ બજાજ અને તેની પત્ની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. આનો હેતુ આરોપીઓને વિદેશ ભાગી જતા અટકાવવાનો છે. લવકેશ બજાજ હાલમાં ફરાર છે અને પોલીસની ઘણી ટીમો તેને શોધી રહી છે. આ સંદર્ભમાં રાજધાનીમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

એક જ પરિવારના આઠનાં મોત
આગમાં ગુરુગ્રામના વિવેક અગ્રવાલ પરિવારના ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૅક્સ હૉસ્પિટલમાં તેમના પિતાનો ઉપચાર ચાલી રહ્યો હતો અને આ લોકો હોટેલમાં નાસ્તો કરવા ગયા હતા. મહાવીર ઍન્ક્લેવમાં રહેતા પ્રેમ બંસલે કહ્યું હતું કે ‘આગમાં મારી દીકરી તર્જની અને જમાઈ વિવેક અગ્રવાલ અને તેમનાં સગાંઓએ જીવ ગુમાવ્યો હતો. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિવેક અગ્રવાલ ગુરુગ્રામના સેક્ટર ૪૬માં રહેતા હતા. વિવેકના પિતા રાધેશ્યમને મૅક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે તેઓ હોટેલમાં નાસ્તો કરવા ગયા ત્યારે કાળનો કોળિયો બન્યા હતા. આગમાં વિવેક અગ્રવાલ, પત્ની તર્જની, પુત્રીઓ જીવિશા અને વારિયા, માતા પ્રેમલતા, માસા અશોક ગોયલ, માસી કમલા અને ઝીમરી અગ્રવાલનાં મૃત્યુ થયાં હતાં.

national news india delhi news new delhi fire incident