17 July, 2025 04:19 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
છેલ્લા અનેક સમયથી દેશભરમાંથી અપઘાતના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં પણ એવો જ એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે, જેમાં દિલ્હીના એક યુવકે વીડિયો બનાવી અપઘાત કર્યો છે. ગુરુવારે દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં વિકાસ નામના એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ આત્યંતિક પગલું ભરતા પહેલા, તેણે પોતાનો એક વીડિયો બનાવ્યો હતો આને સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું. વીડિયોમાં તેણે પોતાનું જીવન ટૂંકાવવાના કારણો સમજાવ્યા. તેણે આ કૃત્યનો ફોન પર વીડિયો પણ બનાવ્યો. હતો, વીડિયોમાં, વિકાસે આરોપ લગાવ્યો કે તે દેવાના બોજ હેઠળ દબાઈ ગયો છે અને આ સમય દરમિયાન તેની પત્ની તેમના ચાર વર્ષના બાળક સાથે તેને છોડીને જતી રહી હતી. તેને શંકા હતી કે તે શાકિબ નામના બીજા પુરુષ સાથે સંબંધમાં છે.
વિકાસે દાવો કર્યો હતો કે આ પરિસ્થિતિ તેના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી હતી, જેના કારણે તેણે આ નિર્ણય લીધો હતો. સિલિંગ ફૅનથી લટકતા પહેલા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં, વિકાસે કહ્યું હતું કે તે તેની પત્નીને પ્રેમ કરતો હતો પરંતુ લોકો ખોટી રીતે માનતા હતા કે તે તેને ત્રાસ આપે છે. તેણે વધુમાં દાવો કર્યો હતો કે તેણે તેની પત્નીને શાકિબ સાથે ઘણી વખત જોઈ હતી, જેના પર તેણે અનેક સાયબર ગુનાઓમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેની અંતિમ ઇચ્છા વ્યક્ત કરતા, વિકાસે માગ કરી હતી કે તેના મૃત્યુ પછી, તેના ચાર વર્ષના પુત્રની કસ્ટડી તેના માતાપિતાને આપવામાં આવે. તેણે જણાવ્યું હતું કે તેની પત્ની તેની માતા સાથે ભાડાના મકાનમાં રહેતી હતી અને બાળકને યોગ્ય રીતે ઉછેરવા માટે તેની પાસે સ્થિર આવકનો અભાવ હતો. વીડિયોમાં, વિકાસે દારૂના નશામાં તેની પત્ની સાથે દુર્વ્યવહાર કરવાની કબૂલાત પણ કરી હતી. અહેવાલો અનુસાર, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મુંબઈમાં પણ અપઘાતનો કિસ્સો
ગોરેગામમાં રહેતા એક પિતાએ પોતાના દીકરાની ડ્રગ લેવાની આદતથી કંટાળીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ દીકરાને આ વાતનો કોઈ અફસોસ થયો નહોતો. તેણે હવે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે દાદી પાસેથી પૈસા માગવાનું શરૂ કર્યું હતું. ધમકી આપીને બળજબરીપૂર્વક પૈસા પડાવવાનું ચાલુ કરતાં દાદીએ પૌત્ર વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ સંજય રાજપૂત તેમનાં ૭૬ વર્ષનાં મમ્મી, પત્ની અને બે દીકરાઓ સાથે ગોરેગામમાં રહેતા હતા. બન્ને દીકરાઓને ડ્રગ્સની આદત છે, જેમાંથી મોટો દીકરો આદિત્ય ૨૭ વર્ષનો હોવા છતાં કોઈ કામકાજ કરતો નહોતો અને ઘણી વાર ઘરે ઝઘડા કરતો હતો, જેને લીધે તેના પપ્પા ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. છેવટે ૨૯ મેના રોજ તેમણે આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ આદિત્યએ પૈસા માટે તેનાં દાદીને હેરાન કરવાનું ચાલુ કર્યું હતું. ધમકી આપીને તેમના અકાઉન્ટમાંથી પાંચ લાખ રૂપિયા કઢાવ્યા હતા. પૌત્રના ત્રાસથી દાદી તેમની દીકરીના ઘરે જતાં રહ્યાં તો ત્યાં પણ તેમને પૈસા અને પ્રૉપર્ટી માટે હેરાન કરવા લાગ્યો હતો. એથી દાદીએ ગોરેગામ પોલીસમાં પૌત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસ મેઇન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.