જંતરમંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં ૨૮૭૩ ગુનેગારો પહોંચ્યા હોવાનો દિલ્હી પોલીસનો દાવો

28 July, 2026 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ-ટેક કૅમેરા અને ફેશ્યલ રેકગ્નિશન સિસ્ટમની મદદથી ઓળખ કરવામાં આવી, કાયદો-વ્યવસ્થા ખોરવવાનો આક્ષેપ

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીના જંતરમંતર પર વીસથી પચીસ જુલાઈ દરમ્યાન યોજાયેલા વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનના સ્થળે ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ૨૮૭૩ અસામાજિક તત્ત્વો હાજર રહ્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો દિલ્હી પોલીસે કર્યો છે. હાઈ-ટેક ફેશ્યલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) અને CCTV કૅમેરાના માધ્યમથી આ તમામની ઓળખ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ દિલ્હીના સીલમપુર, ચાંદબાગ, જાફરાબાદ તથા દક્ષિણ-પૂર્વ દિલ્હીના જામિયાનગર, શાહીનબાગ અને ઓખલા જેવા વિસ્તારોમાંથી આ શંકાસ્પદો વિરોધ-પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા. ઓળખાયેલા લોકોમાંથી ૯૮૯ જેટલા શંકાસ્પદો હત્યા, જાતીય સતામણી, અપહરણ અને લૂંટ જેવા ગંભીર અપરાધોમાં સંડોવાયેલા ગુનેગારો છે.
દિલ્હી પોલીસને આશંકા છે કે વિદ્યાર્થી-આંદોલનની ઓથમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાના હેતુથી આ અસામાજિક તત્ત્વોને મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત પાકિસ્તાનસ્થિત સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ દ્વારા તેમને ઉશ્કેરવામાં આવી રહ્યાં હતાં કે કેમ એ દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. ૨૦ જુલાઈએ જંતરમંતર પર ફાટી નીકળેલી હિંસામાં આ ગુનેગારોની ભૂમિકા વિશે પણ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.

national news india jantar mantar delhi news new delhi Crime News