05 January, 2026 07:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાંદરા અને લંગૂર
દિલ્હીમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ વાંદરાઓના ત્રાસ સામેના ઉપાય તરીકે લંગૂરના અવાજની નકલ કરી શકે એવા લોકોને નોકરી પર રાખવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ નોકરી માટે જે લોકોને પસંદ કરવામાં આવશે તેમણે ૮ કલાકની શિફ્ટમાં કામ કરવાનું રહેશે. તેમણે વાંદરાઓને ડરાવવા અને ભગાડવા માટે લંગૂરના અવાજની નકલ કરવાની રહેશે. વાંદરાઓ લંગૂરથી ડરતા હોય છે.
દિલ્હી વિધાનસભા સંકુલમાં વાંદરાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જેને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. વાંદરાઓ વારંવાર વિધાનસભા સંકુલમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સમસ્યાને ઉકેલવા માટે વિધાનસભાના વહીવટી તંત્રે આ ખાસ યોજના ઘડી છે. વિધાનસભાના પરિસરની આસપાસ ડઝનબંધ વાંદરાઓ રહે છે. તેઓ ઘણી વાર વાયર અને ડિશ ઍન્ટેના પર કૂદી પડે છે, જેનાથી એ તૂટી જાય છે. વાંદરાઓ દિલ્હી વિધાનસભામાં પ્રધાનો, વિધાનસભ્યો અને અધિકારીઓની સલામતી માટે પણ ચિંતાનો વિષય છે.
વાંદરાઓને ભગાડવા માટે પહેલાં વિધાનસભાના સંકુલમાં લંગૂરનાં કટઆઉટ લગાવવાની યોજના હતી. જોકે વાંદરાઓ હવે એનાથી ડરતા નથી. તેઓ એના પર બેસી જાય છે. તેથી લંગૂરના અવાજની નકલ કરી શકે એવા તાલીમ પામેલા લોકોને નોકરી પર રાખવામાં આવશે.
દિલ્હીમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં લોકો વાંદરાઓના ત્રાસથી પરેશાન છે. ઘણા લોકોએ વાંદરાઓ તેમના ઘરે ન આવે એ માટે તેમના ઘરની બહાર અને છત પર લંગૂરનાં કટઆઉટ પણ લગાવ્યાં છે.
વાંદરા અને લંગૂરના અવાજમાં શું ફરક હોય?
વાંદરાનો અવાજ તીખો હોય છે અને એ ખી-ખી કે હૂ-હૂ જેવા સાઉન્ડમાં સંભળાય છે. તેઓ ક્યારેક ચિચિયારીઓ પણ પાડે છે. જોકે લંગૂરનો અવાજ વાંદરાની સરખામણીમાં ખૂબ ડીપ અને ભારે હોય છે. એ સામાન્ય રીતે ખૂં-ખૂં અથવા તો ઘરઘરાટી જેવો ભાસે છે.