19 March, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત ગૅસ ઇન્સ્ટા LPG મશીન- આ મશીનમાં એક સમયે ૧૦ ભરેલાં સિલિન્ડર અને ૧૦ ખાલી સિલિન્ડર રાખવાની ક્ષમતા છે
LPGની અછત અને ડિલિવરી કરવામાં મોડું થઈ રહ્યું છે ત્યારે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા એક નવી શરૂઆત થઈ છે. એણે કંપનીના રજિસ્ટર્ડ ગ્રાહકો માટે LPGનું ઇન્સ્ટન્ટ વેન્ડિંગ મશીન શરૂ કર્યું છે. સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વૅલીમાં ભારત ગૅસ ઇન્સ્ટા LPG મશીન લગાવવામાં આવ્યું છે. એમાં ગ્રાહકો ૨૪ કલાક LPG લઈ શકશે. માત્ર બેથી ત્રણ મિનિટમાં ગૅસ-સિલિન્ડર રીફિલ કરીને તમે લાવી શકો છો. આ અત્યાધુનિક મશીન કમ્પોઝિટ LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવે છે જે વજનમાં હલકાં અને કાટ ન લાગે એવાં હોય છે. એનાથી ગ્રાહકો સિલિન્ડરમાં ગૅસનું સ્તર પણ જોઈ શકે છે. સામાન્ય ૧૪ કિલો ગૅસ ધરાવતા ગૅસ-સિલિન્ડરનું વજન લગભગ ૩૧ કિલો હોય છે, જ્યારે ફાઇબર-બેઝ્ડ કમ્પોઝિટ સિલિન્ડરનું વજન માત્ર ૧૫ કિલો હોય છે. આ સિસ્ટમ ખાસ એ ગ્રાહકો માટે ડિઝાઇન કરાઈ છે જેમની પાસે ઑલરેડી ભારત ગૅસ કમ્પોઝિટ કનેક્શન હોય. આ ગ્રાહકો ખાલી સિલિન્ડરના બદલામાં તરત જ ભરેલું સિલિન્ડર લઈ શકે છે.
પૂરી પ્રક્રિયા ડિજિટલ અને સેફ છે. ગ્રાહકોએ સૌથી પહેલાં પોતાનો મોબાઇલ-નંબર નોંધાવવાનો હોય છે. એના પર વન ટાઇમ પાસવર્ડ દ્વારા કન્ફર્મેશન થાય છે. એ પછી ખાલી સિલિન્ડરનો બારકોડ કે QR કોડ સ્કૅન કરવામાં આવે છે. એમ કરવાથી સિસ્ટમ ગ્રાહક અને સિલિન્ડરની પાત્રતા તપાસે છે. એ પછી ઑનલાઇન પેમેન્ટ કરવાથી મશીનમાંથી તરત જ ભરેલું સિલિન્ડર નીકળે છે અને ખાલી સિલિન્ડર ત્યાં જ જમા કરી દેવામાં આવે છે.
આ મશીનમાં એક સમયે ૧૦ ભરેલાં સિલિન્ડર અને ૧૦ ખાલી સિલિન્ડર રાખવાની ક્ષમતા છે. મશીનમાં જ્યારે માત્ર બે સિલિન્ડર રહે એટલે ગૅસ એજન્સીને ઑટોમૅટિક અલર્ટ મળી જાય છે અને કંપની તરત જ મશીન રીફિલ કરી લે છે. ઇન્સ્ટા LPG વેન્ડિંગ મશીન ગ્રાહકોને ઝડપી, સુરક્ષિત અને સરળ રીફિલ અનુભવ આપવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.