Delhi : શિરોમણી અકાલી દળના કાર્યકરોની કૃષિ કાયદા વિરુદ્ધ માર્ચ યોજવા બદલ અટકાયત

17 September, 2021 04:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ચાલુ કોવિડ -19 રોગચાળાને પગલે, દિલ્હી પોલીસે SAD પ્રમુખ બાદલને નોટિસ ફટકારી છે અને કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ કૂચને મંજૂરી આપવામાં આવશે નહીં.

ફોટો/એએફપી

શિરોમણી અકાલી દળ (એસએડી)ના કાર્યકરોને દિલ્હી પોલીસ દ્વારા પ્રતિબંધ છતાં કૃષિ કાયદાનું એક વર્ષ પૂર્ણ થવા પર `કાળો દિવસ` મનાવવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ માર્ચ યોજવા બદલ અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે શેર કરેલી માહિતી મુજબ, કાર્યકરોને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

તેમના પક્ષના કાર્યકરોની અટકાયતની નિંદા કરતા, SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું કે “કેન્દ્ર સરકાર અને હરિયાણા સરકારે અમારા કાર્યકરોને રોક્યા અને લાઠીચાર્જ કર્યો છે. તેમણે અમારા વાહનો તોડી નાખ્યા છે. તેમણે શાંતિપૂર્ણ વિરોધ બંધ કર્યો. અમે અહીં કેન્દ્રને સંદેશ આપવા આવ્યા છીએ કે માત્ર પંજાબ જ નહીં, પરંતુ સમગ્ર દેશ આ સરકારની વિરુદ્ધ છે.”

અગાઉ, એસએડી નેતા હરસિમરત કૌર બાદલે પણ ખેડૂતોના મુદ્દાઓ પ્રત્યે ઉદાસીન હોવા બદલ કેન્દ્રની નિંદા કરી હતી અને ત્રણ કૃષિ કાયદાઓને ‘કાળા કાયદા’ ગણાવ્યા હતા. મહામંત્રી પ્રેમસિંહ ચંદુમાજરાએ ગુરુવારે માહિતી આપી હતી કે તેમનો પક્ષ ગુરુદ્વારા રકબગંજથી સંસદ સુધી દિલ્હીમાં વિરોધ માર્ચ કાઢશે અને ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ કરશે.

ચાલુ કોવિડ -19 રોગચાળાને પગલે, દિલ્હી પોલીસે SAD પ્રમુખ બાદલને નોટિસ ફટકારી છે અને કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ કૂચને મંજૂરી આપવામાં આવશે નહીં. નોટિસ હોવા છતાં, એસએડી પ્રમુખ રકબગંજ ગુરુદ્વારા પહોંચ્યા અને એસએડી કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો ગત વર્ષે 26 નવેમ્બરથી ત્રણ નવા લાગુ કરાયેલા કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારએ વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા હતા, પરંતુ મડાગાંઠ યથાવત રહી છે.

national news haryana delhi news punjab