17 March, 2025 07:13 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
કેદારનાથ ધામનાં કપાટ આ વર્ષે બીજી મેએ સવારે સાત વાગ્યે ખૂલવાનાં છે.
પ્રયાગરાજના મહાકુંભ અને મથુરા-વૃંદાવનમાં વ્રજની હોળીમાં મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાની માગણી બાદ હવે ઉત્તરાખંડના કેદારનાથમાં પણ આવી પ્રવેશબંધી લગાવવાની માગણી ઊઠી છે. કેદારનાથમાં બિનહિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાની તૈયારી ચાલી રહી હોવાનો સંકેત કેદારનાથમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં વિધાનસભ્ય આશા નૌટિયાલે આપ્યો હતો.
આ મુદ્દે આશા નૌટિયાલે જણાવ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં પ્રભારી મંત્રી સૌરભ બહુગુણાના ઘરે યોજાયેલી બેઠકમાં સ્થાનિક લોકો, વેપારીઓ, ટેન્ટ અને હોટેલમાલિકોએ ખુલ્લેઆમ કહ્યું હતું કે કેટલાક બિનહિન્દુ લોકો આ ક્ષેત્રમાં માંસ, શરાબ અને અન્ય એવી ચીજો લાવવામાં વ્યસ્ત છે જેનાથી કેદારનાથ મંદિરની પ્રતિષ્ઠા જોખમમાં મુકાઈ રહી છે. આ લોકો કેદારનાથ ધામને બદનામ કરવા માટે માંસ, માછલી અને શરાબનું વેચાણ કરી રહ્યા છે. આવા લોકોને શોધીને તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ.’
આ પહેલાં ૪૫ દિવસ ચાલેલા પ્રયાગરાજના મહાકુંભમાં પણ આવી માગણી ઊઠી હતી. ત્યાર બાદ વ્રજની હોળીમાં આ માગણી ઊઠી હતી જેમાં સાધુ-સંતોએ સવાલ ઉઠાવ્યો હતો કે હોળી હિન્દુઓનો તહેવાર છે, એમાં મુસ્લિમોનું શું કામ છે?
નવેમ્બરમાં પેટાચૂંટણીમાં જીત્યાં છે આશા નૌટિયાલ
કેદારનાથ વિધાનસભા બેઠક પર આશા નૌટિયાલ ગયા નવેમ્બર મહિનામાં થયેલી પેટાચૂંટણીમાં જીત્યાં છે. BJPનાં ઉમેદવાર આશા નૌટિયાલને ૨૩,૮૧૪ મત અને કૉન્ગ્રેસના ઉમેદવાર મનોજ રાવતને ૧૮,૧૯૨ મત મળ્યા હતા. આમ આશા નૌટિયાલનો ૫૬૨૨ મતે વિજય થયો હતો.