બનારસમાં મણિકર્ણિકા ઘાટ પર થનારી મસાન હોલી પર પ્રતિબંધ મૂકવાની ડિમાન્ડ

22 February, 2026 09:28 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

કાશી વિદ્વત્ત પરિષદે વિરોધ કરીને કહ્યું કે શાસ્ત્રોમાં ક્યાંય આવી ચિતા ભસ્મની હોળીનો ઉલ્લેખ નથી, આયોજક કહે છે કે સદીઓ પુરાણી પરંપરાને બદનામ કરવાની આ કોશિશ છે

મસાણ હોળી

વારાણસીમાં દર વર્ષે રંગભરી એકાદશીના બીજા દિવસે મણિકર્ણિકા ઘાટ પર થનારી મસાન હોલીનો કાશી વિદ્વત્ત પરિષદે વિરોધ કર્યો છે. પરિષદના મહામંત્રી અને પ્રવક્તા પ્રોફેસર રામનારાયણ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘સ્મશાનઘાટ પર ચિતાની ભસ્મથી હોળી રમવાનો શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી. આજે યુવકો-યુવતીઓ શોરબકોર વચ્ચે સ્મશાનમાં હોળી રમે છે એવી કોઈ પરંપરા પ્રાચીન કાશીમાં કદી નહોતી. ચિતા ભસ્મ હોળી માત્ર મહાદેવ શિવ જ રમે છે અને સામાન્ય માણસોને એવું કરવાનો અધિકાર નથી એટલે મસાન હોલી પર પ્રતિબંધ મુકાવો જોઈએ.’

જોકે મણિકર્ણિકા ઘાટ પર બાબા મસાન નાથ સેવા સમિતિના સંયોજક ગુલશન કપૂરે કહ્યું હતું કે ‘સ્મશાનઘાટ પર થનારી ચિતા ભસ્મ હોળી બંધ કરવાનું ઉચિત નથી. પરંપરા અનુસાર કાશીમાં રંગભરી એકાદશીના દિવસે નગરવાસીઓ બાબા વિશ્વનાથ સાથે હોળી રમે છે અને પછી મસાન હોલી રમાય છે. એમાં બધા જ લોકો સામેલ થાય છે. મસાન હોલી પ્રાચીન પરંપરા છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી જ એ ખૂબ લોકપ્રિય થઈ ગઈ હોવાથી દર વર્ષે એમાં ભાગ લેનારા લોકોની સંખ્યા વધતી રહી છે.’ 

બનારસ હિન્દુ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના પ્રોફેસર વિનય પાંડેયનું કહેવું છે કે ‘મસાન હોલીનું વિધાન મનુષ્યો માટે નથી. આ માત્ર ભગવાન શંકરની લીલાનું એક અંગ છે. સ્કંદપુરાણના કાશીખંડમાં કે શિવપુરાણમાં મસાન હોલીનો કોઈ ઉલ્લેખ નથી.’‍

national news india varanasi holi culture news religious places