17 October, 2025 06:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ઝારખંડ હાઈ કોર્ટમાં એક વકીલ અને ન્યાયાધીશ વચ્ચે ઉગ્ર દલીલબાજી થયા બાદ ફિલ્મોની જેમ ડ્રામેટિક દ્રશ્ય જોવા મળ્યું હતું. આ ઘટના 16 ઑક્ટોબરના રોજ રાંચીમાં હાઈ કોર્ટની કોર્ટ નંબર 24 માં બની હતી. વકીલે જજને કહ્યું "મર્યાદા ઓળંગશો નહીં". કોર્ટમાં ઉગ્ર બોલાચાલી અને દલીલ બાદ હાઈ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બૅન્ચ દ્વારા એડવોકેટ મહેશ તિવારી સામે અવમાનનાની નોટિસ જાહેર કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, વકીલે જસ્ટિસ રાજેશ કુમારની તેમની સામેની ‘સામાન્ય’ ટિપ્પણીનો કડક જવાબ આપ્યો, એમ સૂત્રોએ માહિતી આપી હતી.
ઘટનાનો વીડિયો આવ્યો સામે
કોર્ટની કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમમાંથી મૌખિક વાતચીતની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્લિપમાં, તિવારીને કહેતા સાંભળી શકાય છે, "દેશ સળગી રહ્યો છે. દેશ ન્યાયતંત્ર સાથે બળી રહ્યો છે." જ્યારે ન્યાયાધીશે તેમને અટકાવ્યા અને તેમની ટિપ્પણીઓ પર વાંધો ઉઠાવ્યો, ત્યારે વકીલે આગળ કહ્યું, "હું મારી રીતે દલીલ કરીશ... કોઈને અપમાનિત કરવાનો પ્રયાસ કરશો નહીં અને મર્યાદા ઓળંગશો નહીં." કોર્ટરૂમની અંદર હાજર અન્ય બે વકીલો વચ્ચે દલીલ વધતી ગઈ ત્યારે તેમણે દરમિયાનગીરી કરી. જ્યારે અન્ય એક વરિષ્ઠ વકીલે પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ન્યાયાધીશે તેમને વકીલના વર્તન પર ધ્યાન આપવા કહ્યું. શાબ્દિક વાતચીતના કલાકો પછી, ઝારખંડ હાઈ કોર્ટે ઘટનાની સ્વતઃ નોંધ લીધી. મીડિયા હાઉસના અહેવાલ મુજબ, પાંચ ન્યાયાધીશોની બૅન્ચે તિવારીને નોટિસ જાહેર કરી. વકીલને ત્રણ અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
અમદાવાદમાં જજ પર હુમલો
ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ પર જૂતાં ફેંકવાની ઘટના તાજી જ છે ત્યારે મંગળવારે ગુજરાતના અમદાવાદમાં સિવિલ અને સેશન્સ કોર્ટમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ગુસ્સે ભરાયેલા એક ફરિયાદીએ 1997ના હુમલાના કેસમાં એડિશનલ ચીફ જસ્ટિસ એમ.પી. પુરોહિત પર પોતાના બન્ને જૂતા ફેંક્યા. ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તે સાંભળીને, તેમણે પોતાના જૂતા ઉતારીને જજ પર ફેંક્યા. સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ પર એક વકીલ દ્વારા જૂતા ફેંક્યાના થોડા દિવસો પછી, અમદાવાદ સ્થિત ગુજરાત ન્યાયિક સેવા સંગઠને તાત્કાલિક સુરક્ષામાં સુધારો કરવાની માગ કરી છે. પ્રમુખ એસ.જી. ડોડિયાના નેતૃત્વમાં, સંગઠને એક નિવેદન બહાર પાડીને ન્યાયિક અધિકારીઓ, કોર્ટ સ્ટાફ અને કોર્ટ ઇમારતોની સુરક્ષા માટે તાત્કાલિક અને કડક સુરક્ષા પગલાં લેવાની માગ કરી છે. આ ઘટના બપોરના સુમારે ભદ્ર કોર્ટ સંકુલમાં બની હતી. તે વ્યક્તિ સેશન્સ કોર્ટમાં હતો. 1997માં ગોમતીપુર વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન થયેલી ઝઘડા દરમિયાન તેના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.