13 January, 2026 10:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સર્જિયો ગોર
કહ્યું કે આવતા વર્ષે ડોનલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે અને આજે બન્ને દેશોના અધિકારીઓ ટ્રેડ-ડીલ માટે વાત કરશે
ભારત અને અમેરિકા વચ્ચે ટૅરિફને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે નવા નિમાયેલા સર્જિયો ગોરે ગઈ કાલે નવી દિલ્હીમાં પદભાર સંભાળ્યો હતો.
૨૦૨૫ના જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા પછી અનેક દેશોના રાજદૂતોની નિયુક્તિ ટ્રમ્પે કરી હતી, પરંતુ ભારત માટે સર્જિયો ગોરને રાજદૂતપદ પર પસંદ કરવા માટે તેમણે ૭ મહિનાનો સમય લીધો હતો. ગઈ કાલે રાજદૂત તરીકેનો પદભાર સંભાળીને સર્જિયો ગોરે કહ્યું હતું કે ‘ઘણા લોકો મને ટ્રેડ-ડીલ પરના અપડેટ વિશે પૂછી રહ્યા છે. બન્ને પક્ષો સંપર્કમાં છે અને વાતચીત આગળ વધી રહી છે. ભારત દુનિયાનો સૌથી મોટો દેશ છે એટલે આ પ્રક્રિયા આસાન નથી, પણ બન્ને દેશો ટ્રેડ-ડીલ પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકા માટે ભારતથી વધુ જરૂરી કોઈ દેશ નથી. મંગળવારે બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે ટ્રેડ-ડીલને લઈને ફોન પર વાત થશે.’
અમેરિકાના રાજદૂતે ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની દોસ્તીને અસલી ગણાવતાં કહ્યું હતું કે ‘હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દુનિયા ઘૂમ્યો છું અને દાવા સાથે કહી શકું છું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દોસ્તી અસલી છે. સાચા દોસ્તો અસહમત થઈ શકે છે, પણ અંતે તો હંમેશાં પોતાના મતભેદો સુલઝાવી લે છે. મને આશા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ આગામી વર્ષે ભારતની મુલાકાતે આવી શકે છે.’
વેપાર ભારત-અમેરિકાના સંબંધોનો મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ સહયોગ માત્ર વેપાર સુધી સીમિત નથી એમ જણાવતાં સર્જિયો ગોરે કહ્યું હતું કે બન્ને દેશો સુરક્ષા, કાઉન્ટર-ટેરરિઝમ, ઊર્જા, ટેક્નૉલૉજી, એજ્યુકેશન અને સ્વાસ્થ્ય જેવાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
કોણ છે સર્જિયો ગોર?
સર્જિયો ગોર ડોનલ્ડ ટ્રમ્પના દીકરા જુનિયર ટ્રમ્પના સારા દોસ્ત છે. બન્નેએ મળીને વિનિંગ ટીમ પબ્લિશિંગ નામની કંપની શરૂ કરી હતી જે ટ્રમ્પનાં પુસ્તકો પ્રકાશિત કરતી હતી. આ કંપનીનાં પુસ્તકો બહુ મોંઘાં હોય છે. સૌથી સસ્તું પુસ્તક ૬૫૦૦ રૂપિયાનું છે. સર્જિયો ગોર વાઇટ હાઉસમાં કર્મચારીઓને હાયર રાખવા પહેલાંની જાંચતપાસ કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.