30 October, 2025 11:42 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સ્ક્વૉડ્રન લીડર શિવાંગી સિંહ સાથે રાષ્ટ્રપતિએ ખાસ તસવીર પડાવીને પાકિસ્તાનના જૂઠને જવાબ આપ્યો હતો.
ગઈ કાલે અંબાલા ઍરફોર્સ સ્ટેશન પર દ્રૌપદી મુર્મુ રફાલમાં ઉડાન ભરીને બે ફાઇટર વિમાનોમાં ઉડાન ભરનારાં પહેલાં રાષ્ટ્રપતિ બન્યાં
બુધવારે સવારે ૧૧.૧૦ વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના ઍરફોર્સ સ્ટેશન પરથી ફાઇટર જેટ રફાલમાં ઉડાન ભરી હતી. તેઓ જે રફાલમાં બેઠાં હતાં એ ગ્રુપ-કૅપ્ટન અમિત ગેહાનીએ ઉડાડ્યું હતું. રફાલની પાછળ ચીફ માર્શલ અમર પ્રીતિ સિંહે તેમને બીજા ઍરક્રાફ્ટથી એસ્કોર્ટ કર્યાં હતાં. ૨૦૨૩માં દ્રૌપદી મુર્મુએ આસામના તેઝપુર ઍરફોર્સ સ્ટેશનથી સુખોઈમાં પણ સફર કરી હતી. આ સાથે બે ફાઇટર જેટમાં સફર કરનારાં દ્રૌપદી મુર્મુ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં છે.
અંબાલા ઍરબેઝ પર રાષ્ટ્રપતિ મુર્મુએ સ્ક્વૉડ્રન લીડર શિવાંગી સિંહ સાથે ફોટો પણ પડાવ્યો હતો. આ ફોટો કંઈ એમ જ પાડવામાં આવ્યો હોય કે એમ જ જાહેર કરવામાં આવ્યો હોય એવું નહોતું. આ ફોટો પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ કરતો જવાબ છે. તસવીરમાં સ્ક્વૉડ્રન લીડર શિવાંગી સિંહને જોઈને પાકિસ્તાન શરમથી લાલ થઈ ગયું હોવું જોઈએ, કેમ કે એણે ઑપરેશન સિંદૂર દરમ્યાન શિવાંગીને લઈને ખોટા દાવા કર્યા હતા. પાકિસ્તાને કોઈક ભળતા જ વિમાનના કાટમાળની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તેમની સેનાએ ભારતના રફાલને તોડી પાડ્યું હતું અને એ ઉડાડી રહેલી શિવાંગી સિંહને તેમણે બંદી બનાવી લીધી છે.
ભારતે એ વખતે પણ કહ્યું હતું કે આ દાવો તદ્દન ખોટો છે. શિવાંગી ભારતની પહેલી મહિલા પાઇલટ છે જેણે રફાલ ઉડાડ્યું હોય. તેના મેન્ટર ગ્રુપ-કૅપ્ટન અભિનંદન વર્ધમાન હતા જે પાકિસ્તાનમાં બંદી થયા પછી હીરો બનીને પાછા આવ્યા હતા.