09 September, 2026 11:44 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
બાબા બાગેશ્વર
BJPએ કહ્યું કે એ બાબાનો આ વ્યક્તિગત અભિપ્રાય, બાબાનું નામ લીધા વિના BJPએ અપીલ ફગાવી; કૉન્ગ્રેસે કહ્યું કે બહારની વ્યક્તિ નક્કી નહીં કરે કે અમારે શું ખાવું
પશ્ચિમ બંગાળના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દુર્ગાપૂજા પહેલાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની દુર્ગાપૂજામાં માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માગણીને સમર્થન આપતાં મોટો વિવાદ સર્જાયો છે અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નિવેદનથી બંગાળમાં હિન્દુઓમાં અશાંતિ ફેલાઈ છે. થોડા દિવસ પહેલાં VHPએ પંડાલના આયોજકોને ચેતવણી આપી હતી કે જો પંડાલમાં માંસાહારી ખોરાક જોવા મળશે તો તેઓ હસ્તક્ષેપ કરશે.
શું કહ્યું ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ?
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના લીલુઆમાં ૩ દિવસની હનુમાનકથામાં હાજરી આપવા આવેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રવિવારે એક કાર્યક્રમને સંબોધતાં કહ્યું હતું કે ‘કૃપા કરીને ખોટું લગાડશો નહીં, પણ પશ્ચિમ બંગાળમાં એક વાત મને ગમતી નથી. નવરાત્રિ અને દુર્ગાપૂજામાં પૂજાના પંડાલો પાસે માંસાહારી ખોરાક ખાવામાં આવે છે, તમામ પ્રકારના ગંદા ખોરાક તૈયાર કરવામાં આવે છે. હું ઇચ્છું છું કે દરેક હિન્દુ આ આવનારી નવરાત્રિમાં જાગે અને આવા લોકોને બહાર કાઢે. તેઓ શુદ્ધ નથી, તેઓ ધર્મનું અપમાન કરી રહ્યા છે.’
થયો જોરદાર વિવાદ
ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વિડિયો વાઇરલ થયો હતો, જેને કારણે બંગાળી હિન્દુઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. વિરોધ પક્ષોનો આરોપ છે કે રાજ્યની ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બંગાળની સંસ્કૃતિનું અપમાન કરી રહી છે. આ પહેલાં VHPએ ૨૬ ઑગસ્ટે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે દુર્ગાપૂજાના પંડાલોમાંથી માંસાહારી ખોરાક દૂર રાખવો જોઈએ. કૉન્ગ્રેસે કહ્યું હતું કે બહારની વ્યક્તિ નક્કી નહીં કરે કે અમારે શું ખાવું અને શું ન ખાવું.
BJPએ અપીલ ફગાવી દીધી
પશ્ચિમ બંગાળના BJPના રાજ્ય એકમના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ ૩૦ વર્ષના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના આ અપીલને ફગાવી દીધી હતી. સમિક ભટ્ટાચાર્યએ ગઈ કાલે કહ્યું હતું કે ‘બંગાળીઓ માછલી અને માંસ કેમ ન ખાઈ શકે? સ્વામી વિવેકાનંદે પણ એમ કહ્યું હતું કે દેવી કાલીને મટન ચડાવવું જોઈએ. જો કોઈ સ્વામી વિવેકાનંદને વટાવી જવાનો પ્રયાસ કરે છે તો એ ખતરનાક છે, આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. પશ્ચિમ બંગાળના લોકો શું ખાશે અથવા શું પહેરશે એ વિશે અમારે કંઈ કહેવું નથી. બંગાળીઓ એ જ કરશે જે કરવા તેઓ ટેવાયેલા છે. જેઓ ધોતી પહેરવા માગે છે તેઓ ધોતી પહેરશે, જેઓ લુંગી પહેરવાનું પસંદ કરે છે તેઓ લુંગી પહેરશે. બંગાળીઓ માછલી કેવી રીતે ન ખાઈ શકે? આ લગાતાર ચાલી આવી રહેલી પરંપરા છે. કોઈ બહારથી આવીને અહીં શું કહે છે એની ચિંતા શા માટે કરવી જોઈએ?’
દખલગીરી સહન કરવામાં આવશે નહીં : સંજીવ સાન્યાલ
૨૦૧૭થી ૨૦૨૨ના ફેબ્રુઆરી સુધી નાણામંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર રહેલા સંજીવ સાન્યાલે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલનો વિરોધ કર્યો હતો. તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘માંસ શાક્ત હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. પ્રાચીન પરંપરાઓ અનુસાર એ મા દુર્ગા અને મા કાલીને અર્પણ કરવામાં આવે છે. દુર્ગાપૂજાના નવમી અને દસમીના દિવસોમાં ભક્તોને જે પ્રસાદ આપવામાં આવે છે એમાં માંસનો સમાવેશ થાય છે. આ પવિત્ર પરંપરામાં કોઈ પણ પ્રકારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં.’