કોરોનાકાળમાં ઇન્ડિયન બિલ્યનેર્સના લિસ્ટમાં ૪૦ ઉમેરાયા

03 March, 2021 10:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોનાકાળમાં ઇન્ડિયન બિલ્યનેર્સના લિસ્ટમાં ૪૦ ઉમેરાયા

ફાઈલ તસવીર

કોરોના ઇન્ફેક્શનના રોગચાળાના ભરડામાં પસાર થયેલા ૨૦૨૦ દરમ્યાન દેશના અબજોપતિઓની યાદીમાં ૪૦ નામ ઉમેરાતાં બિલ્યનેર્સ ક્લબના મેમ્બર્સની સંખ્યા ૧૭૭ પર પહોંચી છે. ૮૩ અબજ ડૉલર (અંદાજે ૬૦૯૦ અબજ રૂપિયા)ની નેટવર્થ સાથે મુકેશ અંબાણી ભારતમાં સૌથી અમીર વ્યક્તિ છે. વર્ષમાં તેમની સંપત્તિમાં ૨૪ ટકા વૃદ્ધિ સાથે મુકેશ અંબાણી હુરુન્સ ગ્લોબલ રિચ લિસ્ટમાં ૯મા સ્થાનેથી ૮મા સ્થાને પહોંચ્યા છે.

ગુજરાતના ગૌતમ અદાણીની સંપત્તિ વર્ષમાં બમણી એટલે કે ૩૨ અબજ ડૉલર (અંદાજે ૨૩૪૯ અબજ રૂપિયા)ની થતાં ભારતમાં બીજા અને હુરુન્સ ગ્લોબલ રિચ લિસ્ટમાં ૨૦ સ્થાન આગળ ૪૮મા ક્રમે પહોંચ્યા છે. તેમના ભાઈ વિનોદ અદાણીની સંપત્તિ ૧૨૮ ટકાની વૃદ્ધિ સાથે ૯.૮ અબજ ડૉલર (અંદાજે ૭૨૦ અબજ રૂપિયા)ની થઈ છે. ૨૭ અબજ ડૉલર (અંદાજે ૧૯૮૧ અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે ઇન્ફોટેક કંપની એચસીએલના શિવ નાડર ભારતના અમીરોમાં ત્રીજા ક્રમે છે.

ઝેડ કોલર સૉફ્ટવેર કંપનીના જય ચૌધરીની સંપત્તિમાં આ વર્ષમાં ૨૭૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જય ચૌધરીની ૧૩ અબજ ડૉલર (અંદાજે ૯૫૩ અબજ રૂપિયા)ની સંપત્તિ હુરુન્સ લિસ્ટમાં નોંધાઈ છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર કંપનીના વડા આનંદ મહિન્દ્રની સંપત્તિ ૧૦૦ ટકા વૃદ્ધિ સાથે ૨.૪ અબજ ડૉલર (અંદાજે ૧૭૬ અબજ રૂપિયા) નોંધાઈ છે. પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણની સંપત્તિ ૩૨ ટકાના ઘટાડા સાથે ૩.૬ અબજ ડૉલર (૨૬૪ અબજ રૂપિયા) નોંધાઈ છે.

national news mukesh ambani