17 September, 2025 08:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીને મળેલી ૧૩૦૦થી વધુ ગિફ્ટ્સ
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટનપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ૧૩૦૦થી વધુ ગિફ્ટ્સની ૧૭ સપ્ટેમ્બરથી ઑનલાઇન હરાજી કરવામાં આવશે. વડા પ્રધાનનાં સ્મૃતિચિહ્નોની સાતમી ઈ-હરાજીમાં મૂકવામાં આવેલી વસ્તુઓમાં ચિત્રો, કલાકૃતિઓ, મૂર્તિઓ, દેવી-દેવતાઓની મૂર્તિઓ અને રમતગમત સંબંધિત કેટલીક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ હાલમાં નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑફ મૉડર્ન આર્ટ (NGMA) ખાતે પ્રદર્શિત છે, જ્યાં મુલાકાતીઓ ઑનલાઇન બોલી લગાવતાં પહેલાં એને જોઈ શકે છે.’
પહેલી હરાજી જાન્યુઆરી ૨૦૧૯માં યોજાઈ હતી. ત્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી હજારો અનોખી ભેટોની હરાજી કરવામાં આવી છે, જેનાથી નમામિ ગંગે પ્રોજેક્ટના સમર્થનમાં ૫૦ કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી થઈ છે. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમણે તેમને મળેલી બધી જ ભેટો આ ઉમદા કાર્ય માટે સમર્પિત કરી છે.
આ વર્ષના સંસ્કરણમાં ૧૩૦૦થી વધુ વસ્તુઓ હશે જેની બોલી ૧૭ સપ્ટેમ્બરથી બીજી ઑક્ટોબર દરમ્યાન સત્તાવાર પોર્ટલ www.pmmementos.gov.in પર લગાવી શકાય છે. આ સંગ્રહ ભારતની સાંસ્કૃતિક વિવિધતાને પ્રતિબિંબિત કરે છે, જેમાં પરંપરાગત કલા, ચિત્રો, શિલ્પો, હસ્તકલા અને આદિવાસી કલાકૃતિઓથી લઈને આદર અને સન્માનની ઔપચારિક ભેટોનો સમાવેશ થાય છે. કેટલીક ખાસ વસ્તુઓ એમાં સામેલ છે:
• જમ્મુ અને કાશ્મીરની એક જટિલ ભરતકામવાળી પશ્મીના શાલ
• રામ દરબારનું તંજોર ચિત્ર
• નટરાજનું ધાતુનું શિલ્પ
• ગુજરાતની રોગન કલા, જેમાં ટ્રી ઑફ લાઇફ દર્શાવવામાં આવ્યું છે
• હાથથી વણાયેલી નાગા શાલ
નમામિ ગંગે પ્રોજેક્ટમાં રકમ જશે
ઈ-હરાજીમાંથી મળેલી બધી રકમ ‘નમામિ ગંગે પ્રોજેક્ટ’માં જશે, જે ગંગા અને એની ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવા, સંરક્ષણ અને રક્ષણ આપવા માટે ભારત સરકારની એક મુખ્ય પહેલ છે. ઈ-હરાજી નાગરિકો માટે માત્ર ઇતિહાસનો એક ભાગ મેળવવાની તક નથી પણ એક ઉમદા મિશન - આપણી પવિત્ર નદી, ગંગાનું સંરક્ષણમાં ભાગ લેવાની પણ તક છે.
ખાસ આકર્ષણ
આ ઈ-હરાજીની આવૃત્તિનું એક ખાસ આકર્ષણ પૅરિસ પૅરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારા ભારતના પૅરા-એથ્લીટ્સ દ્વારા ભેટમાં આપવામાં આવેલી રમતગમતની યાદગીરી છે. આ ચિહ્નો ભારતીય રમતગમતની શ્રેષ્ઠતા અને અદમ્ય ભાવનાનું પ્રતીક છે.