મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના ઘરે ઈડીના દરોડા

25 June, 2021 01:40 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના નાગપુરમાં આવેલા ઘરમાં ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે.

અનિલ દેશમુખ (ફાઈલ ફોટો)

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખના નાગપુરમાં આવેલા ઘર પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા ગેરવસૂલી કરવાના આરોપો બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. 

ઈડીનું સર્ચ ઓપરેશન નાગપુરમાં ઇડીના મુંબઇ એકમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા આરોપોના કેસમાં સીબીઆઈ પાસે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે પદ છોડ્યા પછી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું હતું કે દેશમુખે વાઝે સહિત કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટરન્ટ્સ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો.  દેશમુખે આ આરોપોને નકારી દીધા હતા. પ્રાથમિક તપાસના આદેશ બાદ દેશમુખે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

25 માર્ચે પરમબીરસિંહે સીબીઆઈ તપાસની માંગ કરી દેશમુખ વિરુદ્ધ ફોજદારી પીઆઈએલ દાખલ કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે દેશમુખે સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે અને અન્ય અધિકારીઓને બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું. પરમબીર સિંહે શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને અન્ય વરિષ્ઠ નેતાઓને દેશમુખની "ભ્રષ્ટ વર્તન" અંગે ફરિયાદ કર્યા પછી તેમની બદલી કરવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાના આરોપોને ગંભીર ગણાવ્યા હતા. કોર્ટે સીબીઆઈ તપાસના બોમ્બે હાઈકોર્ટના આદેશ પર કહ્યું હતું કે આમાં જે ખોટું છે, શું આવા કેસોની સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ નહીં. કોર્ટે તપાસમાં રોકવા અથવા દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસ ચાલુ રહેશે.

nagpur maharashtra home ministry