16 July, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ભૂરાજકીય તનાવ વચ્ચે વિદેશી હૂંડિયામણના ભંડારને બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં નાગરિકોને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવાની અપીલ કર્યા પછી આ વર્ષે જૂનમાં ભારતની ખાદ્ય તેલની આયાત વાર્ષિક ધોરણે ૨૯ ટકા ઘટીને ૧૧.૪૬ લાખ ટન થઈ છે. સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના ડેટા અનુસાર ૨૦૨૫ના જૂનમાં ભારતે ૧૬.૧૬ લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી હતી.
ભારત વિશ્વમાં ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. તેલની આયાતની ગણતરી નવેમ્બરથી ઑક્ટોબરના સમયગાળાના હિસાબે થાય છે. જૂનમાં ઘટાડો થયો હોવા છતાં ૨૦૨૫-’૨૬ના તેલ વર્ષ (નવેમ્બર ૨૦૨૫-જૂન ૨૦૨૬)ના પ્રથમ ૮ મહિનામાં સંચિત આયાત વધીને ૧૦૫.૭ લાખ ટન થઈ છે, જે એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં ૯૯.૫૫ લાખ ટન હતી. અસોસિએશને જણાવ્યું છે કે તાજેતરના આંકડા દર્શાવે છે કે જ્યારે વનસ્પતિ તેલની આયાત ચાલુ તેલ વર્ષ દરમ્યાન એકંદરે ઊંચી રહી છે ત્યારે જૂનમાં નોંધપાત્ર ઘટાડાને કારણે સંચિત વૃદ્ધિની ગતિમાં ઘટાડો થયો છે.