24 June, 2026 12:54 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન
દેશભરમાં ભારે હોબાળો મચાવનારા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક મામલે કૉક્રૉચ જનતા પાર્ટી કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે લડત ચલાવી રહી છે એવા સમયે આ મિનિસ્ટરે ગઈ કાલે એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જે શિક્ષકોને પવિત્ર જવાબદારી સોંપવામાં આવી હતી તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને આ કિસ્સામાં રક્ષક જ ભક્ષક બન્યા હતા. આ કૌભાંડમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલૉજીનાં પેપર લીક કરવા પાછળ ૩ મુખ્ય શિક્ષકોની સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો છે. આ વિવાદો વચ્ચે રવિવારે દેશભરમાં ૨૦ લાખથી વધુ તબીબી વિદ્યાર્થીઓએ કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ફરી પરીક્ષા આપી હતી.
પેપર લીક થવાના વિવાદ અને રી-ટેસ્ટના અતિશય તનાવને કારણે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં દસથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. શિક્ષણપ્રધાને આ માસૂમ વિદ્યાર્થીઓનાં મોતના મામલે નૈતિક રીતે પોતાની જાતને જવાબદાર ગણાવીને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. જોકે તેમણે આક્ષેપ કર્યો હતો કે કૉન્ગ્રેસ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ અત્યંત સંવેદનશીલ મુદ્દા પર નીચલા સ્તરની રાજનીતિ રમી રહ્યા છે.