મતદાર સુધારણા યાદી માટે કામ કરતા કર્મચારીઓની ચૂંટણીપંચે કદર કરી, BLOનો પગાર બમણો કરી દીધો

01 December, 2025 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિહાર SIRમાં કામ કરી ચૂકેલા BLOને પણ પ્રોત્સાહનરૂપે વધારાની રકમ અપાશે

ચૂંટણીપંચ

ચૂંટણીપંચે બૂથ લેવલ ઑફિસર (BLO)નો પગાર વાર્ષિક ૬૦૦૦ રૂપિયાથી વધારીને ૧૨,૦૦૦ રૂપિયા કરી દીધો છે. વધુમાં મતદારયાદીઓ તૈયાર અને સંપાદિત કરનારા BLO સુપરવાઇઝરનો પગાર પણ ૧૨,૦૦૦થી વધારીને ૧૮,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ સિવાય પહેલી વાર ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO)ને વાર્ષિક ૩૦,૦૦૦ રૂપિયા અને અસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (AERO)ને વાર્ષિક ૨૫,૦૦૦ રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. પહેલાં આ પદે કામ કરનારા કર્મચારીઓને કોઈ વેતન આપવામાં આવતું નહોતું. બીજી તરફ બિહારમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂરી થઈ ગઈ છે, પરંતુ ત્યાંના BLOને પણ આ કામ સરસ રીતે પાર પાડવા માટે વધારાના ૬૦૦૦ રૂપિયા પ્રોત્સાહનરૂપે આપવામાં આવશે.

BLO સરકારી કર્મચારી હોય છે અને તેમને તેમના પગાર ઉપરાંત આ રકમ ચૂકવવામાં આવે છે. ચૂંટણીપંચે શનિવારે જાહેર કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આવો છેલ્લો ફેરફાર ૨૦૧૫માં કરવામાં આવ્યો હતો. ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન SIR પ્રક્રિયામાં કુલ ૫.૩૨ લાખ BLO કામ કરી રહ્યા છે. દરેક BLO પાસે લગભગ ૯૫૬ મતદારોની યાદી સુધારવાનું કાર્ય છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ‘શુદ્ધ મતદારયાદી લોકશાહીનો પાયો છે. મતદારયાદી સુધારણા મશીનરીમાં ERO, AERO, BLO અને સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. તે બધા સખત મહેનત કરે છે અને નિષ્પક્ષ અને પારદર્શક મતદારયાદીઓ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી કમિશને BLOના વાર્ષિક પગારને બમણો કરવાનો અને મતદારયાદીઓ તૈયાર કરનારા અને સુધારનારા BLO સુપરવાઇઝરોના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.’

national news india bihar election commission of india indian government