18 December, 2025 07:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મોદી સરકારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે પ્રાઇમ મિનિસ્ટર (PM) સૂર્ય ઘરઃ મુફ્ત બિજલી યોજના હેઠળ ૨૪.૩૫ લાખ લાભાર્થી પરિવારમાંથી ૭.૭ લાખથી વધુનાં વીજળી બિલ શૂન્ય થઈ ગયાં છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ ૨૦૨૬-’૨૭ સુધીમાં એક કરોડ ઘરોની છત પર સોલર પૅનલ લગાવવાનો છે, જેના માટે ૭૫,૦૨૧ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશમાં સ્વચ્છ અને સસ્તી ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરી છે. આ યોજનામાં સામાન્ય લોકોનાં ઘરોની છત પર સોલર પૅનલ લગાવવાથી તેઓ પોતાની વીજળી ઉત્પન્ન કરી શકે છે અને વીજળીના વધતા બિલમાંથી રાહત મેળવી શકે છે.
રિન્યુએબલ ઊર્જા રાજ્યપ્રધાન શ્રીપદ નાઈકે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ યોજનાની પ્રગતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૫ની ૯ ડિસેમ્બર સુધીમાં દેશભરમાં ૧૯,૪૫,૭૫૮ રૂફટૉપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સોલર સિસ્ટમોથી ૨૪,૩૫,૧૯૬ પરિવારોને સીધો ફાયદો થયો છે. લાખો પરિવારો હવે પોતાની વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે અને પરંપરાગત વીજળી પરની તેમની નિર્ભરતા ઘટાડી રહ્યા છે.
આ યોજનાની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે એનાથી ઘણા પરિવારોનાં વીજળીનાં ઝીરો થઈ ગયાં છે. અત્યાર સુધીમાં ૭,૭૧,૫૮૦ પરિવારોને શૂન્ય વીજળી બિલ મળ્યાં છે. આ પરિવારો દર મહિને કોઈ વીજળી બિલ ચૂકવતા નથી જે નોંધપાત્ર રાહત છે. મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે વીજળીનો ખર્ચ તેમના ઘરના બજેટનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
સરકાર આ યોજના હેઠળ નાણાકીય સહાય પણ પૂરી પાડી રહી છે જેથી તેઓ સરળતાથી સોલર પૅનલ ઇન્સ્ટૉલ કરી શકે છે. ૨૦૨૫ની ૯ ડિસેમ્બર સુધીમાં લાભાર્થીઓને ૧૩,૯૨૬.૨૫ કરોડ રૂપિયાની કેન્દ્રીય નાણાકીય સહાય જાહેર કરવામાં આવી છે. વધુમાં જે પરિવારો એકસાથે રકમ ચૂકવી શકતા નથી તેમના માટે સરળ લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૮,૩૦,૬૧૭ લોન-અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ યોજનામાં લોકોએ નોંધપાત્ર રસ દાખવ્યો છે.