08 June, 2026 10:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઇલોન મસ્ક
વિશ્વના સૌથી ધનિક માણસ ઈલૉન મસ્કે ભારતના ઘટી રહેલા જન્મદર વિશે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે મસ્કે જણાવ્યું હતું કે ભારતનો જન્મદર હવે સ્થિર વસ્તી જાળવવા માટે જરૂરી માનવામાં આવતા સ્તરથી નીચે આવી ગયો છે. આ મુદ્દે તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં ભારતની બદલાતી વસ્તીવિષયક પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતું આ નિવેદન આપ્યું હતું.
ભારતના ઇતિહાસમાં પહેલી વાર કુલ પ્રજનનદર (ટોટલ ફર્ટિલિટી રેટ-TFR) નોંધપાત્ર નીચા સ્તરે પહોંચી ગયો છે. ઉપલબ્ધ આંકડા અનુસાર માત્ર એક દાયકામાં આ દર ૨.૩થી ઘટીને ૧.૯ થઈ ગયો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશની રાજધાની દિલ્હીમાં પ્રજનનદર હવે ૧.૨ પર પહોંચી ગયો છે, જે ફિનલૅન્ડ જેવા ઘણા વિકસિત દેશો કરતાં પણ ઓછો છે.
ભારતની વસ્તી કેટલી છે?
હાલમાં ભારતની વસ્તી ૧.૪૬ અબજથી વધુ છે. ૨૦૨૩માં ભારત ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો. જોકે યુનાઇટેડ નેશન્સ વસ્તી ભંડોળના ડેટા દર્શાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશનો પ્રજનનદર સતત ઘટી રહ્યો છે.
રિપ્લેસમેન્ટ રેટ શું છે?
રિપ્લેસમેન્ટ રેટ એ દેશની વસ્તી જાળવવા માટે જરૂરી માનવામાં આવતો લઘુતમ પ્રજનનદર છે. આ દર સામાન્ય રીતે ૨.૧ માનવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડ (UNFPA) દ્વારા ૨૦૨૫ના વિશ્વ વસ્તી સ્થિતિ અહેવાલ મુજબ ભારતનો કુલ પ્રજનનદર ઘટીને ૧.૯ જન્મ પ્રતિ મહિલા થયો છે, જે ૨.૧ના રિપ્લેસમેન્ટ દરથી નીચે છે. આનો અર્થ એ થયો કે સરેરાશ ભારતીય સ્ત્રીઓ હવે આગળની પેઢીના કદને જાળવવા માટે જરૂરી હોય એટલાં બાળકો પેદા કરી રહી નથી.