હરિયાણાના જિમ ટ્રેઇનરની હત્યાના કેસમાં સામેલ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના બે સભ્યોનું એન્કાઉન્ટર

06 July, 2026 09:48 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

એન્કાઉન્ટર દરમ્યાન દિલ્હીના પોલીસ-કૉન્સ્ટેબલ અંકિતને પગમાં ગોળી વાગી હતી અને તેની સારવાર ચાલી રહી છે.

પ્રવેશ અને હિમાંશુ

ગયા મહિને હરિયાણાના હાંસીમાં પચીસ વર્ષના જિમ ટ્રેઇનર કપિલ રેડુની હત્યાના સંબંધમાં કથિત રીતે વૉન્ટેડ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના બે સભ્યોને ગઈ કાલે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના અને હરિયાણા પોલીસના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)ના જૉઇન્ટ ઑપરેશનમાં ઠાર કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટર દરમ્યાન દિલ્હીના પોલીસ-કૉન્સ્ટેબલ અંકિતને પગમાં ગોળી વાગી હતી અને તેની સારવાર ચાલી રહી છે.

હરિયાણાના બહાદુરગઢમાં હિસારના રહેવાસી પ્રવેશ અને હિમાંશુને પોલીસે ઘેરી લીધા બાદ તેમને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. જોકે બન્નેએ પોલીસ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. પોલીસ-અધિકારીઓએ સ્વબચાવમાં આરોપીઓ પર ગોળીઓ છોડી હતી. ગોળીબાર દરમ્યાન બન્ને શંકાસ્પદોને ગોળી વાગી હતી. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર

જમ્મુ અને કાશ્મીરના શોપિયાંના સૈદપોરા વિસ્તારમાં શનિવાર સાંજથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના જવાનોએ લશ્કર-એ-તય્યબા (LeT)ના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બન્ને આતંકવાદી LeTના ટોચના કાર્યકરો હતા. પહલગામ હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા ૧૪ આતંકવાદીઓની યાદીમાં એક આતંકવાદી ઝાકિર અહમદ ગનીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજો આતંકવાદી ઝાકિરનો સાથી લતીફ ભટ છે. કુલગામના મુતલાહમ ગામના રહેવાસી ઝાકિર અહમદ ગનીને દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓમાં અન્ય આતંકવાદીઓ સાથે સુરક્ષાદળોએ શોધી કાઢ્યો હતો. ઝાકિરનું નામ પાકિસ્તાન સાથે જોડાયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં પણ જોડાયેલું હતું. ઝાકિર ૨૦૨૪થી LeT સાથે સંકળાયેલો છે, જ્યારે લતીફ ગયા વર્ષે લશ્કરમાં જોડાયો હતો. જો ઝાકિર ગનીના મૃત્યુની પુષ્ટિ થાય છે તો તે સુરક્ષાદળો દ્વારા માર્યો ગયેલો નવમો આતંકવાદી હશે. મે ૨૦૨૫માં શોપિયાં અને પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

national news india delhi police lawrence bishnoi haryana murder case jammu and kashmir terror attack