ફ્લિપકાર્ટને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચેતવણી; નિયમોના ઉલ્લંઘન બદલ થઈ શકે છે 10,000 કરોડનો દંડ

05 August, 2021 04:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશની અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને તેના સ્થાપકોને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ એક્ટના કથિત ઉલ્લંઘન બદલ શો કૉઝ નોટિસ ફટકારી છે.

તસવીર સૌજન્ય AFP

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશની અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને તેના સ્થાપકોને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ એક્ટના કથિત ઉલ્લંઘન બદલ શો કૉઝ નોટિસ ફટકારી છે. ED એ કહ્યું છે કે જો તેઓ જવાબ નહીં આપે તો તેમને 10,000 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર ફ્લિપકાર્ટે કથિત રીતે વિદેશી રોકાણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સચિન અને બિન્ની બંસલ દ્વારા ભારતમાં સ્થાપવામાં આવેલી ફ્લિપકાર્ટ હાલ અમેરિકન કંપની વોલમાર્ટે હસ્તક છે.

વિદેશી રોકાણ કાયદાના કથિત ઉલ્લંઘન માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ફ્લિપકાર્ટ અને એમેઝોન બંનેની તપાસ કરી રહ્યું છે. ભારતમાં વિદેશી રોકાણ કાયદાઓ મલ્ટિ-બ્રાન્ડ રિટેલ ચેઇનને કડક રીતે નિયંત્રિત કરે છે અને આ કંપનીઓ જાતે વેચાણ કરી શકતી નથી. તેઓ ફક્ત તમામ વિક્રેતાઓ માટે બજાર સ્થળ તરીકે કાર્ય કરે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, વિદેશી રોકાણકાર સાથે જોડાયેલી કંપની WS રિટેલ દ્વારા ગ્રાહકોને માલ વેચવા અંગે ફ્લિપકાર્ટની વેબસાઇટ પર ફરિયાદ મળી છે. આ નિયમોનું ઉલ્લંઘન છે.

આ સંદર્ભમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચેન્નાઈ શાખાએ ફ્લિપકાર્ટ અને તેના સ્થાપક સચિન બંસલ, બિન્ની બંસલ સહિત તેના વર્તમાન રોકાણકાર ટાઈગર ગ્લોબલને જુલાઈમાં જ ` શો કૉઝ નોટિસ` જારી કરી હતી. આ સંદર્ભે ફ્લિપકાર્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે “કંપની ભારતીય કાયદા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. અમે ઓથોરિટીને સંપૂર્ણ સહકાર આપીશું. નોટિસ અનુસાર, આ કેસ વર્ષ 2009થી 2015નો છે.”

flipkart national news