ISROમાંથી વૈજ્ઞાનિકો ધડાધડ રાજીનામાં આપી રહ્યા છે એમાં કેમ કંઈ નવાઈ નથી?

19 July, 2026 07:23 AM IST  |  Mumbai | Ruchita Shah

દેશના અગ્રણી વૈજ્ઞાનિક પ્રોફેસર નરેન્દ્ર ભંડારીએ કૅલિફૉર્નિયાથી મિડ-ડે સાથે વાત કરીને આખી બાબત વિશે વિગતવાર વાત કરી

દેશના અગ્રણી વૈજ્ઞાનિક પ્રોફેસર નરેન્દ્ર ભંડારી

ISROમાંથી વૈજ્ઞાનિકોનાં ધડાધડ રાજીનામાંના વિવાદ વચ્ચે મિડ-ડેનો એક્સક્લુઝિવ રિપોર્ટ

ચંદ્રયાન-૧ના જનક પ્રોફેસર નરેન્દ્ર ભંડારી કહે છે કે પ્રાઇવેટાઇઝેશનને કારણે આ એક્ઝિટ સ્વાભાવિક છે

સરકારે સ્પેસ પ્રોગ્રામમાં ખાનગીકરણને લીલી ઝંડી આપ્યા પછી વૈજ્ઞાનિકો પ્રાઇવેટ કંપનીઓમાં જોડાવા માંડે એમાં ISROનો કેમ કોઈ વાંક નથી અને એમાં નવા નિયમો લાવનારી સરકારની અન્ય ભૂમિકા શું હોઈ શકે એ વિષય પર દેશના અગ્રણી વૈજ્ઞાનિકે ખાસ કૅલિફૉર્નિયાથી મિડ-ડે સાથે કરેલી વાતો પ્રસ્તુત છે

ચંદ્રયાન-૧ના લૉન્ચ વખતે પ્રોફેસર નરેન્દ્ર ભંડારી.

હૈદરાબાદસ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાય રૉકેટ ઍરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલા વિક્રમ-૧ રૉકેટે ૨૦૨૬ની ૧૮ જુલાઈએ બપોરે ૧૨.૦૫ વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી એની પ્રથમ ઐતિહાસિક ઉડાન ભરી હતી જે સંપૂર્ણપણે સફળ રહી છે. જોકે ભારતના પ્રાઇવેટ સ્પેસ સેક્ટરના આ ઐતિહાસિક માઇલસ્ટોનની ખુશી વચ્ચે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) એક મોટા આંતરિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ગગનયાન અને ચંદ્રયાન-૪ જેવાં દેશનાં સૌથી પ્રતિષ્ઠિત મિશન્સ વચ્ચે ૧૦૦થી ૧૨૦ જેટલા સિનિયર વૈજ્ઞાનિકો અને પ્રોજેક્ટ ડિરેક્ટર્સે ISROમાંથી એક્ઝિટ લીધી છે. સ્થિતિ એટલી ગંભીર મનાઈ રહી છે કે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસે તાબડતોબ રાજીનામાંના નિયમો કડક કરીને વૈજ્ઞાનિકોની મુક્ત એક્ઝિટ પર રોક લગાવી દીધી છે. શું ખરેખર આ કોઈ અણધારી ઘટના છે જેના માટે આપણા દેશની સ્પેસ રિસર્ચની એકમાત્ર સંસ્થા બિલકુલ મેન્ટલી પ્રિપેર્ડ નહીં હોય? વૈજ્ઞાનિકોની આ એક્ઝિટ ખરેખર ડરવા જેવી બાબત છે કે કેમ એ જાણવા માટે ‘મિડ-ડે’ સીધું એ મહાનુભાવ પાસે પહોંચ્યું જેમણે ભારતમાં મૂન મિશન્સનો પાયો નાખ્યો હતો. ડૉ. હોમી ભાભા સાથે મુંબઈમાં તાતા ઇન્સ્ટિટ્યૂટ સાથે કરીઅરની શરૂઆત કરનારા અને તેમના ગયા પછી વિક્રમ સારાભાઈ સાથે પણ નિયમિત સંપર્કમાં રહીને કામ કરી ચૂકેલા ISROના પ્રતિષ્ઠિત પ્લૅનેટરી સાયન્સ ઍન્ડ એક્સપ્લોરેશન (PLANEX) પ્રોગ્રામના સ્થાપક, ચંદ્રયાન-૧ મિશનના શિલ્પકાર અને અમેરિકાના નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્‌મિનિસ્ટ્રેશન (NASA)નાં અપોલો મૂન સૅમ્પલ્સ પર સંશોધન કરનારા દેશના દિગ્ગજ સ્પેસ-સાયન્ટિસ્ટ પ્રોફેસર નરેન્દ્ર ભંડારી સાથે ‘મિડ-ડે’એ ખાસ વાતચીત કરી છે. ISROના આ આંતરિક તોફાન અને સરકારના કડક વલણ વચ્ચે પ્રોફેસર ભંડારીએ આપેલો એક અત્યંત સંતુલિત અને આંખ ઉઘાડનારો દૃષ્ટિકોણ આગળ વાંચો.

પ્રોફેસર નરેન્દ્ર ભંડારી તથા ગ્રેટ સાયન્ટિસ્ટ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ‍્ગત ડૉ. એપીજે અબ્દુલ કલામ.

પૂર્વભૂમિકા સમજો
ભારતને અવકાશવિજ્ઞાનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવું અને સ્પેસ ટેક્નૉલૉજીનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવો એ હેતુ સાથે ૧૯૬૯ની ૧૫ ઑગસ્ટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ જે દેશની એકમાત્ર સત્તાવાર રાષ્ટ્રીય સ્પેસ એજન્સી છે. ભારતમાં સ્પેસ ક્ષેત્ર સંપૂર્ણપણે સરકાર સંચાલિત હતું. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૅબિનેટે ભારતીય સ્પેસ સેક્ટરને ખાનગી કંપનીઓ માટે સંપૂર્ણપણે ખોલવાના ઐતિહાસિક નિર્ણયને સત્તાવાર મંજૂરી આપી. આ અંતર્ગત ઇન્ડિયન નૅશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe) નામની નવી રેગ્યુલેટરી સંસ્થાની જાહેરાત થઈ. ૨૦૨૦ના સ્પેસ રિફૉર્મ્સ અને ૨૦૨૩ની સ્પેસ પૉલિસી પછી ફેબ્રુઆરી ૨૦૨૪માં સરકારે સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમો હળવા કર્યા, જેનાથી પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સ માટે વિદેશી ફન્ડિંગ મેળવવું સાવ સરળ બની ગયું. આ આખી કથાનો સાર એટલો કે સરકારે સ્પેસને લગતું બધુ જ કામ પોતાના માથે એટલે કે ISROના માથે રાખવાને બદલે આઉટસોર્સિંગ કરવાનું વિચાર્યું જે દુનિયાના મોટા ભાગના દેશોમાં થઈ જ રહ્યું છે. ચીન, રશિયા, જપાનથી લઈને અમેરિકાના NASA સહિતના મોટા ભાગના દેશોમાં સ્પેસ પ્રોગ્રામમાં સરકાર અને પ્રાઇવેટ સેક્ટરની જુગલબંદીથી જ કામ થાય છે. ભારતમાં જ્યારે હવે જુગલબંદી શરૂ થઈ છે અને થોડાક વૈજ્ઞાનિકોએ એક્ઝિટ લીધી છે એ બનવું ખૂબ જ સ્વાભાવિક છે. સ્પેસ સેક્ટરમાં ૬૦થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા પ્રોફેસર નરેન્દ્ર ભંડારી કહે છે, ‘અત્યાર સુધી ISROમાં બધું જ કામ ઇનહાઉસ થતું હતું, પરંતુ હવે પ્રોગ્રામ્સ બહુ મોટા થઈ ગયા છે. દુનિયાભરની સ્પેસ એજન્સીની જેમ ISRO પણ હવે આઉટસોર્સિંગ તરફ આગળ વધી રહ્યું છે. સરકાર જ્યારે પ્રાઇવેટાઇઝેશનને પ્રમોટ કરે ત્યારે ખાનગી કંપનીઓને એક્સપર્ટ્સની જરૂર પડવાની જ છે અને એ ISRO સિવાય ક્યાંથી મળવાના? તેઓ સારું પૅકેજ આપે છે એટલે ISROના લોકો ત્યાં જશે જ. આમાં ISROની વ્યવસ્થામાં પ્રૉબ્લેમ છે એવું ન કહી શકાય. સાથે એ પણ કહીશ કે આ કોઈ બ્રેઇન-ડ્રેઇન પણ નથી કારણ કે આ ટૅલન્ટ દેશની બહાર નથી જઈ રહી, ભારતમાં જ રહીને કામ કરી રહી છે. લૉન્ગ રનમાં આનાથી દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે. બેશક કૉસ્ટ ઘટશે, પરંતુ કામ ઝડપી બનશે. હા, ISROએ ગગનયાન કે મૂન મિશન જેવા ક્રિટિકલ પ્રોજેક્ટ્સની કી પોઝિશન પર રહેલા લોકો ન જાય એ માટે સીધાં જ રાજીનામાં અને વૉલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (VRS) પર પ્રતિબંધ લાધ્યો છે એ પણ વાજબી પગલું છે.’

વૈજ્ઞાનિકોની કદર કરો
એક વૈજ્ઞાનિકને સ્પેસ-રેડી બનાવવામાં સરકારના કરોડો રૂપિયા અને દસથી ૧૫ વર્ષની સખત મહેનત લાગે છે. અત્યારે ભારત એના ઇતિહાસનાં સૌથી જટિલ મિશન્સ પર કામ કરી રહ્યું છે જેમાં ગગનયાન અને ચંદ્રયાન-૪ સામેલ છે. આવા નાજુક તબક્કે જો ચીફ ડિઝાઇનર્સ કે સિસ્ટમ એન્જિનિયર્સ સંસ્થા છોડે તો પ્રોજેક્ટની ટાઇમલાઇન ખોરવાઈ જવાનું મોટું જોખમ રહે છે. આ ઉપરાંત ISRO દેશની લશ્કરી સુરક્ષા માટેના સૅટેલાઇટ્સ પણ બનાવે છે જેથી આ ટૅલન્ટ અને દેશની ગુપ્ત ટેક્નૉલૉજી સુરક્ષિત રહે એ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જરૂરી છે. જોકે અહીં સરકાર શું કરી શકે એ વિશે પ્રોફેસર ભંડારી કહે છે, ‘બની શકે કે પ્રાઇવેટ કંપનીઓની તુલનાએ પગાર વધારવાની બાબતમાં સરકારની પોતાની મર્યાદાઓ છે, પણ તમે ટૅલન્ટને રેકગ્નાઇઝ તો કરી શકોને? પદમશ્રી કે ભારત રત્નની યાદી જુઓ તો એમાં ફિલ્મસ્ટાર્સ ભરપૂર હશે, પણ વૈજ્ઞાનિકો બહુ ઓછા હોય છે. ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા વૈજ્ઞાનિકોનાં નામનો ઉલ્લેખ પણ ક્યાંય નથી દેખાતો. બહુ-બહુ તો એ મિશનના ચૅરમૅનનું નામ બોલાય. તમારે મિશનને સક્સેસફુલી પાર પાડવામાં સામેલ દરેકેદરેક વ્યક્તિને બિરદાવવી જોઈએ. યાદ રહે કે ‌મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો નવથી પાંચની ફિક્સ કલાકોની જૉબ નથી કરતા. તેઓ મહિનાઓ સુધી લૅબમાં વિતાવીને કલ્પનાતીત બાંધછોડ કરતા હોય છે. જોકે એવું કરનારા કેટલા વૈજ્ઞાનિકોનાં નામ તમને યાદ છે? કોઈને ખબર નથી, કારણ કે તેમના નામનો ક્યાંય ઉલ્લેખ પણ નથી થતો. આવા વૈજ્ઞાનિકોને ઓળખ અને સન્માન આપશો તો તેઓ ક્યારેય ISRO છોડીને નહીં જાય. બાકી કોઈ પણ ઓળખ ન મળે છતાં સંપૂર્ણ ડિવોશન સાથે દેશની સેવા માટે જોડાયેલા રહે એવું કરનારા ઓછા છે. બીજી એ પણ હકીકત છે કે સરકારી પ્રોજેક્ટ બહુ ધીમી ગતિએ આગળ વધતા હોય છે. એક મિશન પૂરું થાય એમાં પંદર-વીસ વર્ષ નીકળી જાય અને ત્યાં તો તે વૈજ્ઞાનિકનો રિટાયરમેન્ટનો ટાઇમ આવી જાય. આગળના મિશનમાં ક્યાંય તેણે ઊભા કરેલા ફાઉન્ડેશનની ચર્ચા પણ ન થતી હોય.’ 
૨૦૦૮માં ભારતે ચંદ્રયાન મિશન લૉન્ચ કર્યું ત્યારે ભારત ચીન, જપાન અને યુરોપિયન દેશો કરતાં પણ આગળ હતું. પ્રોફેસર ભંડારી કહે છે, ‘મને યાદ છે કે ચીનના સાયન્ટિસ્ટો આપણી પાસે સલાહ લેવા આવતા. જોકે ૨૦૦૮ પછી આપણું બીજું મિશન છેક ૨૦૧૩માં પાર પડ્યું. આપણે ખૂબ ધીમી ગતિથી સ્પેસ પ્રોગ્રામમાં આગળ વધી રહ્યા છીએ. જોકે આ ખાનગીકરણથી ઝડપ વધશે. NASAમાં ૩ વર્ષમાં ૭ મૂન મિશન થયાં. આપણે પાંચ વર્ષે એક કરીએ છીએ.’

વૈજ્ઞાનિકો ISRO છોડી રહ્યા છે એનાં મુખ્ય કારણો
૧. પગારમાં ફરક ઃ ISRO એક સરકારી સંસ્થા હોવાથી ત્યાંના વૈજ્ઞાનિકોનો પગાર સાતમા પગારપંચના નિયમો મુજબ નક્કી થાય છે. બીજી તરફ ભારતમાં સ્પેસ સેક્ટર ખૂલતાં જ ટેક-સ્ટાર્ટઅપ્સનો ઊભરો આવ્યો છે. આ પ્રાઇવેટ કંપનીઓ ISROના અનુભવી વૈજ્ઞાનિકોને સરકારી સ્કેલ કરતાં પાંચગણું મોટું પૅકેજ અને કંપનીમાં ઇક્વિટી ઑફર કરી રહી છે.
૨. કૉર્પોરેટ ફ્રીડમ ઃ ઘણા યુવા વૈજ્ઞાનિકોનું માનવું છે કે સરકારી તંત્રમાં પ્રોજેક્ટની મંજૂરી, બજેટ અલોકેશન અને પેપરવર્કની પ્રક્રિયામાં ઘણો સમય વેડફાય છે. એની સામે પ્રાઇવેટ સેક્ટરમાં ત્વરિત નિર્ણયો અને કામ કરવા માટે ક્રીએટિવ ફ્રીડમ વધુ મળે છે.
૩. ટૅલન્ટની ડિમાન્ડ ઃ ભારતના વૈજ્ઞાનિકો અત્યંત ઓછા બજેટમાં વિશ્વસ્તરીય ટેક્નૉલૉજી બનાવવા માટે જાણીતા છે. સ્પેસ X અને બ્લુ ઓરિજિન જેવી વૈશ્વિક જાયન્ટ સ્પેસ કંપનીઓ ભારતીય સ્પેસ એન્જિનિયર્સના અનુભવને હાથોહાથ લઈ રહી છે. ખાનગીકરણને કારણે વિદેશ જતો એ પ્રવાહ અટકશે એવું માનવામાં આવી રહ્યું છે.

દુનિયામાં ભારતનો ડંકો વગાડનારા ચંદ્રયાન-૧ની અનટોલ્ડ સ્ટોરી
સોશ્યલ મીડિયા પર ચંદ્રયાન-૩ની ખૂબ ચર્ચાઓ થઈ, પરંતુ મૂન મિશનના ત્રીજા ચરણમાં પહોંચતાં પહેલાં એનો પાયો કેવી રીતે નખાયો એની વાત ભાગ્યે જ ચર્ચાઈ છે. કઈ રીતે પહેલા ચંદ્રયાનનો પાયો નખાયો અને આખો પ્રોજેક્ટ દુનિયા માટે રાહબર બનીને દેશની શાન વધારનારો સાબિત થયો એ વિશે ચંદ્રયાન વનના આર્કિટેક્ટ પ્રો. નરેન્દ્ર ભંડારી પાસેથી જાણવા મળેલી અનટોલ્ડ સ્ટોરી વિશે વાત કરીએ. ભારતના પહેલા રૉકેટ-લૉન્ચ પછી આપણે ચંદ્ર પર પણ જઈ શકીએ અને જવું જોઈએ એ વિચાર સાથેનો પ્રસ્તાવ ૧૯૯૫માં પ્રો. ભંડારીએ ભારત સરકાર સામે મૂક્યો હતો. ચંદ્રયાન-૧ મિશનના સાયન્સ ઑબ્જેક્ટિવ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇનના ચીફ પ્રો. ભંડારી કહે છે, ‘એ વખતે NASAના અપોલો અને રશિયાના મૂન મિશનનાં સૅમ્પલ્સ પર કામ કરવાનો અનુભવ ધરાવતો હું એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક હતો. પ્રસ્તાવ મૂક્યા પછી પણ ત્યારે દેશની પ્રાયોરિટી જુદી હોવાથી આખો પ્રોજેક્ટ લગભગ ૪ વર્ષ લંબાઈ ગયો. સ્ક્રૅચથી બધેબધું આપણે પોતે જ તૈયાર કરીને ૨૦૦૮માં ચંદ્રયાન-૧ લૉન્ચ કર્યું ત્યારે દુનિયામાં દેકારો બોલાઈ ગયો હતો, કારણ કે દુનિયાના મૂન મિશનની તુલનાએ નજીવા ખર્ચથી તૈયાર થયેલું ચંદ્રયાન-૧ દુનિયાનું બેસ્ટ મિશન સાબિત થયું, કારણ કે NASA કે રશિયા જે ન શોધી શક્યા એ આપણે કરી બતાવ્યું - ચંદ્ર પર પાણીની શોધ! આપણે જ્યારે ચંદ્રયાનને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે તાર્કિક રીતે એ પણ વિચારી રહ્યા હતા આપણે નવી શું શોધ કરીએ? એ સમયે NASA અને રશિયા ચંદ્રના વિષુવવૃત્ત ભાગ પર ગયાં હતાં. અમે દિમાગ લગાવ્યું કે પૃથ્વી પરનું પાણી કૉમેટ એટલે કે ધૂમકેતુને કારણે આવ્યું છે તો એ ચંદ્ર પર પણ ગયું હશે. વિષુવવૃત્ત પર તડકાને કારણે પાણી ન હોય એટલે એ લુનાર પોલ પર જ હોવું જોઈએ. અમે પહેલી વાર પોલર મિશન બનાવ્યું. આપણે પાણી શોધવા માટે ૪ અલગ-અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂક્યાં હતાં. લોકો કહેતા હતા કે બજેટ વેસ્ટ ન કરો, એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ઘણું છે. જોકે મને ખબર હતી કે જો એકાદમાં સિગ્નલ ખોરવાશે કે નૉઇસ આવશે તો દુનિયા સ્વીકારશે નહીં. આપણાં ચારેય ઇન્સ્ટ્રુમેન્ટમાં પાણી મળ્યું અને દુનિયાએ સ્વીકારવું પડ્યું. આજે ચીન, અમેરિકા, રશિયા બધાં જ ચંદ્રના એ જ ભાગ પર જઈ રહ્યા છે જે આપણે શોધ્યો હતો, કારણ કે ત્યાં અબજો ટન પાણી બરફના સ્વરૂપમાં છે. પાણી બહુ ગજબની વસ્તુ છે. પાણીમાં રહેલો હાઇડ્રોજન એનર્જી જનરેટ કરવામાં કામ લાગી શકે અને પાણીનો ઑક્સિજન શ્વાસ માટે કે ભવિષ્યમાં ત્યાં માનવ-વસવાટ માટે અનિવાર્ય છે.’

મોદી સરકારને બે ખાસ સૂચનો
ઇન્ડિપેન્ડન્ટ પ્લૅનેટરી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ બનાવો : 
ભારતમાં સ્પેસ મિશન્સ માટે એક સમર્પિત અને ઇન્ડિપેન્ડન્ટ  ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ જે પ્લૅનેટરી એજ્યુકેશનમાં પાયોનિયર હોય. દેશમાં ડેવલપ થઈ રહેલી સ્પેસ ઇકોસિસ્ટમમાં એ ખૂબ મહત્ત્વની જરૂરિયાત છે. 
નવું લૉન્ચ પૅડ બનાવો : દેશમાં પ્લૅનેટરી મિશન્સની ફ્રીક્વન્સી વધારવા માટે વધુ એક લૉન્ચ પૅડ પણ વહેલી તકે બનાવવું જરૂરી છે.
- પ્રો. નરેન્દ્ર ભંડારી

national news india chandrayaan 3 isro indian space research organisation ruchita shah gujarati mid day exclusive narendra modi apj abdul kalam