07 September, 2026 11:26 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હડકવા (રૅબીઝ)ની સારવારમાં વપરાતી ‘અભયરૅબ’ (Abhayrab) વૅક્સિનના એક બૅચને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI) દ્વારા સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરીને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખર્જીનગરમાં લાઇસન્સ વગરની જગ્યાએથી જપ્ત કરાયેલી આ વૅક્સિન નકલી હોવાની પ્રબળ આશંકા છે. કસૌલીની સરકારી પ્રયોગશાળામાં તપાસ દરમ્યાન બૅચ-નંબર KE૨૫૦૧૨નું સૅમ્પલ ગુણવત્તા-પરીક્ષણમાં નિષ્ફળ ગયું હતું.
આ વૅક્સિન બનાવતી કંપની ઇન્ડિયન ઇમ્યુનોલૉજિકલ્સ લિમિટેડે સ્પષ્ટતા કરી છે કે પકડાયેલો જથ્થો તેમણે બનાવ્યો નથી. અસલી અને જપ્ત કરાયેલી રસીનાં લેબલ, QR કોડ અને પૅકેજિંગમાં ૧૭ જેટલા મોટા તફાવત જોવા મળ્યા છે. ભારતમાં દર વર્ષે હડકવાના કારણે અંદાજે ૫૭૨૬ લોકોનાં મોત થાય છે ત્યારે આ નકલી રસી બજારમાં ઘૂસી જવાથી મોટો ખતરો ઊભો થયો છે. અગાઉ જાન્યુઆરી ૨૦૨૫માં પણ આ જ રીતે અભયરૅબ વૅક્સિનનો નકલી જથ્થો બજારમાં ઘુસાડવામાં આવ્યો હતો, જેને પગલે અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સહિતના દેશોએ અલર્ટ જાહેર કરવું પડ્યું હતું.