ફાસ્ટૅગનો વાર્ષિક પાસ લેતી વખતે સાવધાન

24 April, 2026 07:15 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ફ્રૉડના કેસ વધી રહ્યા છે ત્યારે નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જાહેર કરી ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

ફોર-વ્હીલર વ્હીકલ્સમાં ઍન્યુઅલ ફાસ્ટૅગ (FASTag) પાસ ખરીદતી વખતે થઈ રહેલી છેતરપિંડીના કેસ બહાર આવતાં આ પાસ ઇશ્યુ કરનાર નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ જાહેર જનતા માટે ચેતવણી જાહેર કરી છે. એમાં જણાવાયું છે કે કેટલીક નકલી વેબસાઇટ્સ વાર્ષિક FASTag પાસનું વચન આપીને લોકોને છેતરી રહી છે. ઑનલાઇન ફ્રૉડ કરનારાઓએ સરકારી વેબસાઇટ જેવી નકલી સાઇટ્સ બનાવી છે અને એના પર જતા લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે.

NHAIએ અપીલ કરી છે કે તેમણે છેતરપિંડી અને નાણાકીય નુકસાન ટાળવા માટે ફક્ત સરકારી અને વિશ્વસનીય સ્રોત પાસેથી જ FASTag સંબંધિત કોઈ પણ સેવાનો લાભ લેવો જોઈએ.
NHAIના મતે નકલી વેબસાઇટ બિલકુલ વાસ્તવિક FASTag વેબસાઇટ જેવી દેખાય છે. આ નકલી સાઇટ્સ ઘણી વાર પેઇડ જાહેરાતો અને સર્ચ-એન્જિનની પ્રયુક્તિ દ્વારા ગૂગલ જેવાં સર્ચ-પરિણામોમાં ટોચ પર દેખાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ વેબસાઇટ્સની મુલાકાત લે છે ત્યારે તેમને તેમનો મોબાઇલ-નંબર, કાર રજિસ્ટ્રેશન-નંબર અને પેમેન્ટ સંબંધી વિગત પૂછવામાં આવે છે. વેબસાઇટ સંપૂર્ણપણે અસલી દેખાય છે, પરંતુ અહીં કરવામાં આવતું પેમેન્ટ છેતરપિંડી કરનારાઓના ખાતામાં જાય છે. પેમેન્ટ બાદ મેસેજ મળતો નથી અથવા નકલી રસીદ આપવામાં આવે છે. આમ તેમનાં નાણાં ફ્રૉડ કરનારાના ખાતામાં જાય છે અને તેમને વાર્ષિક પાસની સુવિધા નથી મળતી.

કેવી રીતે સાવધ રહેવું?
• હંમેશાં FASTag વાર્ષિક પાસને સરકારી અને સત્તાવાર પ્લૅટફૉર્મ, જેમ કે રાજમાર્ગયાત્રા ઍપ્લિકેશન પરથી ખરીદો.
• ઑનલાઇન શોધખોળ કરતી વખતે પ્રાયોજિત લિન્ક્સ અથવા અજાણી જાહેરાતો પર ક્લિક કરવાનું ટાળો.
• કોઈ પણ માહિતી દાખલ કરતાં પહેલાં વેબસાઇટ URLને સારી રીતે તપાસો.
• ક્યારેય OTP, કાર્ડની માહિતી અથવા લૉગિન વિગતો કોઈની સાથે શૅર કરશો નહીં.
• જો કોઈ વેબસાઇટ શંકાસ્પદ લાગે તો એને તાત્કાલિક બંધ કરી દો.

national news india national highway indian government cyber crime