17 July, 2026 12:13 PM IST | Mumbai | Ruchita Shah
સોનમ વાન્ગચુક
જો આ પ્રશ્ન તમારા પણ મનમાં જાગ્યો હોય તો જાણી લો કે અહીં શારીરિક સ્થિતિની સાથે સામાજિક સ્થિતિ અને ઉપવાસ માટેની પૂર્વભૂમિકા વ્યક્તિની હેલ્થને સરખા પ્રમાણમાં પ્રભાવિત કરતી હોય છે. નકોરડા ઉપવાસની તબક્કાવાર શરીર પર શું અસર થતી હોય છે અને ધાર્મિક વિધિ મુજબ થતા ઉપવાસ અને કોઈ સામાજિક પ્રશ્નને લઈને ભૂખ-હડતાળના ભાગરૂપે થતા ઉપવાસમાં શું ફરક હોય છે એના તર્ક વિશે વાત કરીએ
દિલ્હીના જંતર-મંતર મેદાનમાં શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અનિશ્ચિત મુદતની ભૂખ-હડતાળનો આજે ૨૦મો દિવસ છે. અત્યારે માત્ર મીઠાવાળા પાણી પર જીવી રહેલા ૫૯ વર્ષના વાંગચુકનું લગભગ ૯ કિલો વજન ઘટી ગયું છે અને તેમની શારીરિક સ્થિતિ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. મે મહિનામાં મેડિકલ પ્રવેશ પરીક્ષાના પેપર લીક મામલે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને દેશમાં શૈક્ષણિક સુધારાની માગણી કરી રહેલી કોક્રૉચ જનતા પાર્ટીના સમર્થનમાં શરૂ થયેલી આ હંગર સ્ટ્રાઇકમાં ગઈ કાલે અન્ય આંદોલનકારીઓએ પણ એક દિવસના ઉપવાસ કરીને સમર્થન આપ્યું હતું. બીજી બાજુ દિલ્હી હાઈ કોર્ટે સરકારને સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવા અને જરૂર પડ્યે સારવાર આપવા આદેશ કર્યો છે. બીજી તરફ અખિલેશ યાદવ, શશી થરૂર અને અભિનેત્રી ઝીનત અમાન સહિત દેશભરના નેતાઓ તથા કલાકારો તેમના લથડતા સ્વાસ્થ્યને કારણે આ ઉપવાસ પાછા ખેંચવા માટે ભાવુક અપીલ કરી રહ્યાં છે. ક્યાંક તેમને કંઈક થઈ જશે તો અથવા તેઓ મૃત્યુના મુખમાં ધકેલાઈ જશે તો એવા ડરને લગતી ચર્ચાઓ પણ સોશ્યલ મીડિયા પર શરૂ થઈ છે ત્યારે કોઈકના મનમાં એવો સવાલ પણ થઈ શકે કે જૈન પરંપરામાં બહુ જ સહજતા સાથે નકોરડા ઉપવાસ થતા આવ્યા છે. માસક્ષમણ જેવા તપમાં લોકો ૩૦-૩૦ દિવસ કે અેથી વધુ દિવસના નકોરડા ઉપવાસ માત્ર પાણીના સહારે હસતાં-રમતાં કરી લે છે તો સોનમ વાંગચુકના ઉપવાસ પર આટલી ચિંતા કેમ? આ મુદ્દાને તાર્કિક, મેડિકલ અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી સમજીએ.
શરીરનું રીઍક્શન
સૌથી પહેલાં તો એ સમજવું જોઈએ કે દરેકનું શરીર અલગ છે અને દરેકના શરીરમાં ઉપવાસનો પ્રભાવ પણ અલગ હોઈ શકે. આ સંદર્ભે છેલ્લાં ૨૦ વર્ષથી સાયનમાં ફૅમિલી ફિઝિશ્યન તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. મૌલિક જગદીશ કોરાડિયા કહે છે, ‘૨૦૦૫માં મેં પોતે જૈનોમાં આવતા અઠ્ઠાઈના તપ કર્યા છે જેમાં આઠ નકોરડા ઉપવાસ કરવાના હોય છે. મારી માટે પ્રૅક્ટિકલી એ હેલ્થ વધારનારા હતા, કારણ કે એમાં મારું બીજું રૂટિન સારું હતું. સામાન્ય રીતે મેડિકલ સાયન્સ લૉન્ગ ફાસ્ટિંગને સપોર્ટ નથી કરતું. ૨૪ કલાકના ઉપવાસ બૉડીને ફાયદો કરી શકે, પરંતુ એ પછી શરીર ધીમે-ધીમે વિવિધ અવયવોમાંથી ઊર્જા લેવાનું અને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી શકે છે. પહેલા શરીરમાં સ્ટોર થતું વધારાનું ગ્લુકોઝ, એ પછી ચરબી, એ પછી સ્નાયુઓ અને પછી ધીમે-ધીમે અવયવોમાંથી પોષણ મેળવવાના શરીર પ્રયાસ કરે અને એ પણ ન મળે તો અવયવો પોષણના અભાવમાં ખતમ થતા જાય. એટલે ઉપવાસના દિવસો વધે એમ-એમ ઑર્ગન ફેલ્યર જેવી અવસ્થા સુધી પણ શરીર પહોંચી જ શકે.’
મોટો ફરક વાતાવરણનો
ઉપવાસના મામલે શરીરની આંતરિક સ્થિતિની સાથે બાહ્ય એન્વાયર્નમેન્ટલ સ્થિતિનો પણ પ્રભાવ પડતો હોય છે. કાંદિવલીમાં ૧૮ વર્ષથી હોમિયોપથી ડૉક્ટર તરીકે સક્રિય અને ૩૦ દિવસના ઉપવાસનો માસક્ષમણનો તપ કરી ચૂકેલાં ડૉ. કિંજલ દોશી કહે છે, ‘આપણી બૉડી આપણા એન્વાયર્નમેન્ટથી બહુ જ પ્રભાવિત થતી હોય છે. શરીરમાં ઉત્સર્જિત થતા હૉર્મોન્સ બહારના વાતાવરણથી સૌથી વધુ પ્રભાવિત થતા હોય છે. તમે જ્યારે ધાર્મિક ઇન્ટેન્શન સાથે, કર્મનો ક્ષય કરવા અથવા તો આત્માની શુદ્ધિ જેવા આશયથી કોઈ તપ કરો છો ત્યારે શરીરનું અંદરનું માળખું વધુ હકારાત્મક દિશામાં હોય છે. આ સમયે તમે પૂરતી ઊંઘ લઈ રહ્યા છો અને સાથે પૉઝિટિવિટીને લઈ જીવી રહ્યા છો ત્યારે બૉડીમાં મસલ્સ લોસ થઈ રહ્યો હોવા છતાં શરીરની કોપિંગ કૅપેસિટી સારી હોઈ શકે છે. અફકોર્સ એ પણ વ્યક્તિએ-વ્યક્તિએ જુદી બાબત છે, પરંતુ જ્યારે તમે સામાજિક ધ્યેય માટે પબ્લિક અટેન્શન અને પબ્લિકના પ્રેશર વચ્ચે જાહેરમાં ઉપવાસ કરીને જીવી રહ્યા હો ત્યારે સ્વાભાવિકપણે સ્ટ્રેસ લેવલ, ઊંઘનું લેવલ જુદાં હોય. એ સમયે શરીરમાં સ્ટ્રેસ સાથે જોડાયેલા હૉર્મોન્સનું પ્રમાણ વધે જે તમારા શરીરની ઇમ્યુનિટીને પ્રભાવિત કરી શકે. એ દૃષ્ટિએ ધર્મ અને અધ્યાત્મમાં થતા ઉપવાસ અને સામાજિક ઉદ્દેશ્યને સાકાર કરવા માટે થતા ઉપવાસની ઓવરઑલ અસર જુદી હોઈ શકે છે. મેં જ્યારે માસક્ષમણ કર્યું ત્યારે મારું ૧૬ કિલો જેટલું વજન ૩૦ દિવસમાં ઘટ્યું હતું, પરંતુ હું ૨૪ દિવસ સુધી પોતાની ગાડી ચલાવીને દરરોજ મારા ક્લિનિક પર જતી અને દિવસના ૮થી ૧૦ કલાક કામ કરતી હતી એટલે કોઈ પણ બે વ્યક્તિની સ્થિતિને કમ્પેર ન કરી શકાય.’
ભોજન વિના દિવસો પસાર થાય અેમ શરીરમાં શું બદલાય?
મેડિકલ નિષ્ણાતના જણાવ્યા મુજબ જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત પાણી પીને ઉપવાસ કરે છે ત્યારે દિવસો પસાર થવાની સાથે શરીરમાં નીચે મુજબના ગંભીર તબીબી ફેરફારો થાય છે.
૧થી ૩ દિવસ: શરીર સૌપ્રથમ સ્નાયુઓમાં સંગ્રહિત ગ્લુકોઝનો ઉપયોગ ઊર્જા માટે કરે છે.
૪થી ૭ દિવસ: ગ્લુકોઝ ખતમ થતાં શરીર ચરબીને ઓગાળીને ઊર્જા મેળવવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયાને કીટોસિસ કહે છે. આ સમયે ભૂખ લાગવાની તીવ્રતા ઓછી થઈ જાય છે પણ નબળાઈ વધે છે.
૧૦થી ૧૫ દિવસ: ચરબીનો જથ્થો ઘટતાં જ શરીર ઊર્જા માટે પ્રોટીન એટલે કે પોતાના જ સ્નાયુઓને તોડવાનું શરૂ કરે છે. આ તબક્કે વ્યક્તિનું વજન ખૂબ ઝડપથી ઘટે છે અને આંતરિક અંગો નબળાં પડવાં લાગે છે.
૧૭થી વધુ દિવસ: ૧૭મા દિવસ પછી શરીરનાં મહત્ત્વનાં અંગો જેમ કે કિડની, લીવર અને હૃદયના સ્નાયુઓ નબળાં પડે છે. ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બગડવાને કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે જેને કારણે હાર્ટ અટૅક કે મલ્ટિ-ઑર્ગન ફેલ્યરનો ભય રહે છે.
મૃત્યુની સંભાવના કેટલી? મેડિકલ સાયન્સ મુજબ માત્ર પાણી પર રહેલી વ્યક્તિ જો શરીર તંદુરસ્ત હોય તો લગભગ ૪૫થી ૬૧ દિવસ સુધી જીવિત રહી શકે છે. જોકે આકરી ગરમી, સ્ટ્રેસને કારણે વધુ દિવસના ઉપવાસ પછી શરીરનાં આંતરિક અંગોને વધુ નુકસાન થવાની અને કોઈ પણ ક્ષણે જીવનું જોખમ ઊભું થવાની સંભાવના નકારી શકાતી નથી.
દેશમાં ભૂખ-હડતાળ કરનારા અગ્રણી આંદોલનકારીઓ
ભારતમાં ડેમોક્રેટિક દેશ હોવાના નાતે પોતાની માગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે ભૂખ-હડતાળનો ઉપયોગ એક પ્રભાવશાળી અને નૈતિક શસ્ત્ર તરીકે થતો રહ્યો છે જેમાંના કેટલાક અગ્રણી આંદોલનકારીઓની વિગતો પ્રસ્તુત છે...
|
પ્રદર્શનકારી |
ઉપવાસનો સમયગાળો |
ઉપવાસ પાછળનું મુખ્ય કારણ |
|
મહાત્મા ગાંધી |
જીવનકાળમાં અંદાજે ૧૭થી ૧૮ વાર ઉપવાસ કરનારા બાપુએ સૌથી લાંબા ૨૧ દિવસના ઉપવાસ ૧૯૨૪, ૧૯૩૩ અને ૧૯૪૩માં એમ ત્રણ વખત કર્યા હતા. |
હિન્દુ-મુસ્લિમ એકતા, બ્રિટિશ સરકાર દ્વારા દલિતો માટે અલગ મતદારમંડળ આપવાના નિર્ણય વિરુદ્ધ યરવડા જેલમાં, અસ્પૃશ્યતા નિવારણ અને હરિજન આંદોલનને મજબૂત કરવા માટે, છેલ્લે ભારતની આઝાદી પછી ૧૯૪૮માં દિલ્હીમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો શાંત કરવા માટે તેમણે પાંચ દિવસના ઉપવાસ કર્યા હતા. |
|
ભગતસિંહ અને સાથીઓ |
૧૯૧૯માં લાહોરની જેલમાં ૧૧૬ દિવસના ઉપવાસ. |
ભારતીય રાજકીય કેદીઓ સાથે થતા અમાનવીય વ્યવહારની વિરુદ્ધ અને બ્રિટિશ કેદીઓની જેમ ભારતીયોને પણ પુસ્તકો, અખબારો તેમ જ સારું ભોજન અને કપડાં જેવી સમાન સુવિધાઓ મળે અે માટે તેઓ ભૂખ-હડતાળ પર ઊતર્યા હતા. એ વખતે તેમને સાથ આપનારા તેમના સાથી ચળવળકાર જતિન દાસનું ઉપવાસના ૬૩મા દિવસે અવસાન થયું હતું. આ લાંબી હડતાળને કારણે બ્રિટિશ સરકાર નમી ગઈ અને કેદીઓના અધિકારો માટે જેલના નિયમોમાં સુધારો કરવાની ફરજ પડી હતી. |
|
પોટ્ટી શ્રીરામુલુ |
૫૮ દિવસ સુધી સતત આમરણ ઉપવાસ કર્યા બાદ નિધન થયું હતું. |
મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકો માટે અલગ આંધ્ર રાજ્યની રચના કરવામાં આવે અેવી તેમની માગણી હતી જે તેમની હયાતીમાં પૂરી થઈ નહોતી. જોકે તેમના બલિદાનના માત્ર ચાર દિવસ પછી એ સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુને અલગ આંધ્ર રાજ્ય બનાવવાની સત્તાવાર જાહેરાત કરવી પડી હતી. |
|
ઇરોમ ચાનુ શર્મિલા |
૨૦૦૦થી ૨૦૧૬ સુધી ૧૬ વર્ષના ઉપવાસ. |
ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી લાંબી ભૂખ-હડતાળ કરનારા આ અૅક્ટિવિસ્ટ છે. તેમણે મણિપુર અને પૂર્વોત્તર રાજ્યોમાંથી સશસ્ત્ર દળોને વિશેષ સત્તા આપતો વિવાદાસ્પદ કાયદો ‘આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર્સ અૅક્ટ’ સંપૂર્ણપણે નાબૂદ કરવાની માગણી સાથે ઉપવાસ કર્યા હતા. હડતાળ દરમ્યાન તેમને સરકારી હૉસ્પિટલની જેલમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા અને નાક વાટે નળી દ્વારા પ્રવાહી ખોરાક આપીને બળજબરીપૂર્વક જીવિત રાખવામાં આવ્યા હતા. જોકે તેમની માગણી પૂરી ન થઈ અને ઑગસ્ટ ૨૦૧૬માં તેમણે પોતાના ઉપવાસ જાતે જ પૂરા કર્યા હતા. |
|
દર્શન સિંહ ફેરુમન |
૭૪ દિવસ સુધી અન્નનો ત્યાગ કર્યા બાદ જેલમાં જ તેમનું અવસાન થયું હતું. |
|
|
અણ્ણા હઝારે |
૨૦૧૧માં ૧૨ દિવસના ઉપવાસ. |
ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેશમાં મજબૂત જનલોકપાલ બિલ લાવવાની માગણી સાથે. |
|
જી. ડી. અગ્રવાલ ઉર્ફ સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદ |
૨૦૧૮માં હરિદ્વારમાં ૧૧૧ દિવસના ઉપવાસ પછી નિધન
|
પૂર્વ IIT પ્રોફેસર અને પર્યાવરણવિદ તરીકે તેમની માગણી હતી કે ગંગા નદી પરનાં જળવિદ્યુત મથકો અને બંધોના નિર્માણ પર રોક લાગે અને અેનો કુદરતી પ્રવાહ જળવાય, નદીના પટમાં થતું ગેરકાયદેસર ખનન બંધ કરવું અને સંસદમાં મજબૂત ‘ગંગા પ્રોટેક્શન અૅક્ટ’ પસાર થાય. તેમની હયાતીમાં કોઈ પરિણામ ન આવ્યું, પરંતુ તેમના ગયા પછી દેશમાં પર્યાવરણીય કાયદાઓ અને નદીઓના સંરક્ષણ અંગે વ્યાપક ચર્ચા જાગી હતી. |