બીજા તબક્કાના ઇલેક્શનમાં બાવન ટકા રેડ અલર્ટ બેઠક

18 April, 2024 08:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કુલ ૮૭ બેઠકમાંથી ૪૫ પર એવા ત્રણ કે વધુ ઉમેદવારો જેમની સામે ગંભીર ગુના છે

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીમાં ૨૬ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોની ચોંકાવનારી માહિતી સામે આવી છે. અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) અને નૅશનલ ઇલેક્શન વૉચના રિપોર્ટમાં જણાઈ આવ્યું છે કે બીજા તબક્કામાં ૧૨ રાજ્યોમાં થનારી ચૂંટણીમાં ૮૭ લોકસભા બેઠકમાંથી ૪૫ બેઠક એટલે કે બાવન ટકા એવા મતદાર સંઘ છે જેમાં ત્રણ કે એથી વધુ ઉમેદવારોએ પોતાની સામે ગંભીર ક્રિમિનલ કેસ હોવાનું જાહેર કર્યું છે. લોકસભાની એક બેઠકમાં ત્રણ કે એનાથી વધુ ઉમેદવારો પોતાની સામે ગંભીર ગુના હોવાનું જાહેર કરે તો આવી બેઠકોને રિપોર્ટમાં રેડ અલર્ટ મતદારક્ષેત્ર કહેવામાં આવે છે.

વિવિધ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણી માટે નોંધાવેલી ઉમેદવારીમાં જણાઈ આવ્યું છે કે સૌથી વધુ ૬૦ ટકા ગંભીર ક્રિ​મિનલ કેસ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI)ના ઉમેદવારો સામે છે. આ પાર્ટીના પાંચમાંથી ત્રણ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ છે. અ​ખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના ચારમાંથી બે એટલે કે પચાસ ટકા, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા માર્ક્સસિસ્ટ (CPIM)ના ૧૮માંથી ૭ એટલે કે ૩૯ ટકા, કૉન્ગ્રેસના ૬૮માંથી બાવીસ એટલે કે ૩૨ ટકા, ભારતીય જનતા પાર્ટીના ૬૯માંથી ૨૧ એટલે કે ૩૦ ટકા, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ચારમાંથી એક એટલે કે પચીસ ટકા અને જનતા દળ યુનાઇટેડના પાંચમાંથી એક એટલે કે ૨૦ ટકા ઉમેદવાર સામે ગંભીર પ્રકારના ગુના દાખલ છે.

બીજા તબક્કામાં લોકસભાની ૮૭ બેઠકમાં દેશભરમાં કુલ ૧૧૯૨ ઉમેદવારો મેદાનમાં છે. એમાંથી ૨૫૦ એટલે કે ૨૧ ટકા ઉમેદવારો પર બહુ ગંભીર ન કહી શકાય એવા ગુના દાખલ છે, જ્યારે ૧૬૭ ઉમેદવારો સામે ગંભીર પ્રકારના મામલા હોવાનું રિપોર્ટમાં જણાયું છે.

ટૉપ થ્રી કોણ?

બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારો સામે સૌથી વધુ ગુના નોંધવામાં આવ્યા હોવાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેરલાની વાયનાડ લોકસભા બેઠકના ઉમેદવાર કે. સુરેન્દ્રન પર ૧૩૯ મામલા સહિત કુલ ૨૪૩ પોલીસકેસ છે. બીજા નંબરે BJPના કેરલાની એર્નાકુલમ લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. કે. એસ રાધાકૃષ્ણન સામે પાંચ ગંભીર સહિત કુલ ૨૧૧ મામલા છે. ત્રીજા નંબરે કૉન્ગ્રેસના કેરલાની ઇડુક્કી લોકસભા બેઠકના ઉમેદવાર ડીન કુરયાકોસે સામે ૨૩ ગંભીર સહિત કુલ ૮૮ ગુના પોલીસના ચોપડે નોંધવામાં આવ્યા છે.

હત્યાના ગુનાવાળા ઉમેદવારો પણ છે

બીજા તબક્કાની ચૂંટણી લડી રહેલા કુલ ૧૧૯૨ ઉમેદવારોમાંથી ૨૧ ટકા ઉમેદવારો સામે હત્યા સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. આ સિવાય ૧૬૭ એટલે કે ૧૪ ટકા ઉમેદવારોએ તેમની સામે ગંભીર પ્રકારના ગુના હોવાનું જાહેર કર્યું છે. ૨૩ ઉમેદવાર એવા છે જેમને સજા કરવામાં આવી છે અને ત્રણ ઉમેદવાર સામે હત્યાના ગુના છે.

Lok Sabha Election 2024 election commission of india india national news