30 March, 2026 12:06 PM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
મૅરથૉન
અવિરત વરસાદ છતાં હજારો ઉત્સાહી રનર્સે જમ્મુની પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅરથૉનમાં ભાગ લીધો હતો, જેને મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ સૂર્યોદય સમયે એમ. એ. સ્ટેડિયમથી લીલી ઝંડી આપી હતી. તેમણે પણ મૅરથૉનમાં ભાગ લીધો હતો. ૩ રેસ કૅટેગરીની રેસમાં હાફ મૅરથૉન (૨૧ કિલોમીટર), ૧૦ કિલોમીટર ફિટનેસ રન અને પાંચ કિલોમીટર ફન રનનો સમાવેશ થતો હતો. વિજેતાઓને કુલ ૧.૩૩ કરોડ રૂપિયાનાં ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મૅરથૉનમાં ફિટનેસ આઇકન મિલિંદ સોમણ અને તેની પત્ની અંકિતા કોનવાર ૨૧ કિલોમીટરની દોડમાં ઓમર અબદુલ્લા સાથે જોડાયાં હતાં, જ્યારે ઍક્ટ્રેસ ગુલ પનાગે ફ્લૅગ ઑફ સમારોહમાં હાજરી આપી હતી. કમાલ ખાન અને પ્રતીક નરુલાએ મ્યુઝિક-પર્ફોર્મન્સ આપ્યો હતો.
પહેલી જમ્મુ મૅરથૉનમાં ૪૦૦૦થી વધુ રનર્સે ભાગ લીધો હતો, જેમાં જમ્મુ અને કાશ્મીરની બહારના ૧૦૦૦થી વધુ રનર્સ અને ૯૦થી વધુ આંતરરાષ્ટ્રીય રનર્સનો સમાવેશ થાય છે. વિધાનસભ્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. મુખ્ય પ્રધાનના પુત્રો ઝહીર અને ઝમીરે પણ ભાગ લીધો હતો.