17 August, 2026 10:17 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે TMCની ઑફિસ પર આશિષ બૅનરજીના મૃતદેહ પાસે આક્રંદ કરતા પરિવારજનો.
તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બૅનરજીનો મૃતદેહ ગઈ કાલે સવારે રાજ્યના બીરભૂમ જિલ્લામાં પાર્ટીની ઑફિસની અંદર મળી આવ્યો હતો. તેમણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેઓ ભૂતપૂર્વ પ્રધાન હતા અને રામપુરહાટના પાંચ વખત વિધાનસભ્ય પણ હતા. તેમણે ૨૦૦૧થી ૨૦૨૬ સુધી સતત પચીસ વર્ષ સુધી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ BJPના ધ્રુબા સાહા સામે હારી ગયા હતા.
આશિષ બૅનરજીએ આગલા દિવસે રામપુરહાટમાં સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને ત્યાં તિરંગો ફરકાવ્યો હતો. મૂળ બંગાળીમાં લખેલી એક કથિત સુસાઇડ-નોટ પણ મળી આવી છે. આ નોટમાં આશિષ બૅનરજીએ પોતે નિર્દોષ હોવાનો દાવો કરતાં લખ્યું હતું કે મારી સમગ્ર રાજકીય કારકિર્દી દરમ્યાન ક્યારેય હું ભ્રષ્ટાચારમાં સામેલ નહોતો.
આશિષ બૅનરજી તારાપીઠ રામપુરહાટ ડેવલપમેન્ટ ઑથોરિટી (TRDA)ના અધ્યક્ષ હતા અને આ સંસ્થા સંબંધિત ગેરરીતિઓના કથિત આરોપોનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. આશિષ બૅનરજીએ દાવો કર્યો હતો કે ‘સિવિક પ્લાનિંગ અને વિકાસ એજન્સીના ટેન્ડર સંબંધિત નિર્ણયો, ચેક આપવા, યોજનાની મંજૂરીઓ અથવા નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટમાં મારી કોઈ ભૂમિકા નથી. મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મને લાગે છે કે રાજકારણમાં પ્રવેશ કરવો એ મારી એક ભૂલ હતી. હું હંમેશાં પાર્ટીની અંદર ખોટાં કાર્યો સ્વીકારી શકતો નહોતો અને આવું કરનારા સામે વિરોધ કરવામાં અસમર્થ હતો. મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.’
આશિષ બૅનરજીના મૃત્યુ પાછળના ચોક્કસ સંજોગો તાત્કાલિક સ્પષ્ટ થયા નથી. પોલીસ તપાસ કરી રહી છે કે તેમનું મૃત્યુ આત્મહત્યાથી થયું હતું કે નહીં અને જો એમ હોય તો તેમણે આ આત્યંતિક પગલું કેમ ભર્યું એનો જવાબ મેળવવાનો બાકી છે. તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.